SURAT

ખભાની ટક્કર બની જીવલેણ ઝઘડો

ઉધનામાં નાની વાતે યુવાનની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો

Surat શહેરના Udhna વિસ્તારમાં એક સામાન્ય અથડામણ ભયાનક અંજામ સુધી પહોંચી હતી. બીઆરસી નજીક આવેલા પ્રભુનગરમાં ચાલતા સમયે ખભા અથડાવાની નાની ઘટના બાદ 25 વર્ષીય દિનેશકુમાર નવરતન પ્રજાપતિની નિર્દય હત્યા કરવામાં આવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી શિવ કરણ બિંદાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યે દિનેશકુમાર પોતાના કામસર ઘરની બહાર નીકળ્યા હતા. તે દરમિયાન સાંકડી ગલીમાં સામેથી આવતાં તેમના પાડોશી શિવ કરણ સાથે અચાનક ખભા અથડાયા હતા. “સાચવીને નથી ચાલતા?” જેવી નાની બોલાચાલી જોતજોતામાં ઉગ્ર વાદવિવાદમાં ફેરવાઈ ગઈ. બંને વચ્ચે ગાળો અને ધક્કામુક્કી થઈ હતી. કહેવાય છે કે દિનેશે ગુસ્સામાં આવી શિવ કરણને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી, જે ઘટનાએ મામલો વધુ ગંભીર બનાવી દીધો.

આ અપમાનનો બદલો લેવા આરોપી ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ મનમાં અદાવત રાખી ફરી દિનેશની રાહ જોતા રહ્યો. થોડીવાર બાદ પ્રભુનગરની જ એક ગલીમાં બંને ફરી સામસામે આવ્યા. ચર્ચા ફરી ઉગ્ર બની અને આ વખતે આરોપીએ ખિસ્સામાંથી ધારદાર હથિયાર કાઢી દિનેશ પર હુમલો કર્યો. ગંભીર ઈજાઓને કારણે દિનેશ જમીન પર ઢળી પડ્યા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું.

ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સામાન્ય અથડામણથી શરૂ થયેલો ઝઘડો એક યુવાનના જીવનનો અંત લાવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Most Popular

To Top