Columns

સ્વર્ગ ક્યારે જવાય?

સ્વર્ગ ક્યારે જવાય?

પ્રસિદ્ધ જ્ઞાની સંત શ્રી નરેન્દ્ર દેવના પ્રિય શિષ્ય નું નામ શ્રીનાથ હતું. ગુરુ સંતશ્રી નરેન્દ્ર દેવને પોતાના શિષ્ય પર પ્રેમભાવ લાગણી અને વિશ્વાસ હતો કે તે મારું આપેલું જ્ઞાન ચોક્કસ ઉજાળશે. એક દિવસ સાંજે અધ્યયન બાદ બધા શિષ્યો બગીચામાં બેસી આનંદ કરી રહ્યા હતા; ત્યારે સ્વર્ગ અને નરક પર ચર્ચા શરૂ થઈ. બધા પોતાની સમજ પ્રમાણે સ્વર્ગ અને નરક એટલે શું સમજાવી રહ્યા હતા અને સ્વર્ગમાં ક્યારે જવાય? અને કઈ રીતે જવાય? સ્વર્ગનો માર્ગ કયો? એ વિશે પોતાના મનની વાત જણાવી રહ્યા હતા.

શ્રીનાથ ચર્ચા સાંભળી રહ્યો હતો પરંતુ કંઈ બોલતો ન હતો.  એક શિષ્ય મિત્ર રાજનાથે શ્રીનાથને પૂછ્યું, ‘શ્રીનાથ, મિત્ર શું હું સ્વર્ગમાં જઈ શકીશ? શ્રીનાથે જવાબ આપ્યો, ‘ જ્યારે હું જશે પછી તું સ્વર્ગમાં જઈશ.’ આ જવાબ સાંભળી રાજનાથને લાગ્યું મિત્ર શ્રીનાથને પોતાના જ્ઞાન અને ગુરુના પ્રિય શિષ્ય હોવાનું અભિમાન આવી ગયું છે. બધા શિષ્યોએ જઈને શ્રીનાથના આવા અભિમાનભર્યા જવાબની ફરિયાદ ગુરુજીને કરી. ગુરુજીએ શિષ્યોની વાત સાંભળી પરંતુ તેમને ખબર હતી કે શ્રીનાથ જ્ઞાની છે અભિમાન કરે તેવો નથી.

તે ઓછા શબ્દોમાં પણ ગહન જ્ઞાનની વાત કરી શકે તેવું ઊંડું જ્ઞાન ધરાવે છે.  ગુરુજીએ શ્રીનાથને બોલાવી બગીચામાં જે ચર્ચા થઈ તેના વિશે પૂછ્યું. શ્રીનાથે કહ્યું, ‘હા ગુરુજી, મેં આવો જ જવાબ આપ્યો હતો.’ બધા શિષ્યો શ્રીનાથને ગુરુજી સામે આવા ગર્વભર્યા જવાબથી અચંબિત થઈ ગયા. ગુરુજી હસ્યા અને બધાને શાંત થવા કહ્યું અને શ્રીનાથને ફરી પ્રશ્ન પૂછ્યો, ‘ શ્રીનાથ શું તું સ્વર્ગમાં જઈ શકીશ?’ શ્રીનાથે જવાબ આપ્યો, ‘ ગુરુજી જ્યારે ‘હું’ જશે પછી હું સ્વર્ગમાં જઈ શકીશ.’ 

ગુરુજીએ હવે બધા શિષ્યોને સમજાવતા કહ્યું, ‘જુઓ બરાબર સાંભળો અને બરાબર સમજો શ્રીનાથના કહેવાનો અર્થ છે ‘હું જશે એટલે કે જ્યારે તમારા મનનો અહંકાર જશે.. હું પણું દૂર થશે ત્યારે આપણે સ્વર્ગને પ્રાપ્ત કરી શકીશું. જ્યારે જ્યારે તમારા મનમાં એવી વાતો ઉછાળા મારશે કે હું જ્ઞાની છું… હું બધું કરું છું… મેં આ કામ કર્યું છે… મેં ઘણા પુણ્ય કર્યા છે… હું ધર્મને જાણું છું… હું બધું જ કરી શકું છું ત્યાં સુધી સ્વર્ગ બહુ જ દૂર છે. ‘મેં કર્યું’ અને ‘હું કરું છું’ એવા અહંકારના પ્રતીક સમી વાતો અને વાક્યોમાંથી મનમાંથી જ્યારે ‘હું’ અને ‘મેં’ ઓગળી જશે ત્યારે જ સ્વર્ગમાં જઈ શકાશે.’ ગુરુજીએ સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top