Dakshin Gujarat

Surat district પંચાયત ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો: નવા રોટેશનથી સમીકરણોમાં મોટો ફેરફાર

અનામત બેઠકોના ફેરફારથી જૂના દિગ્ગજો માટે પડકાર, નવા ચહેરાઓ માટે તકનો દરવાજો ખુલ્યો

સુરત જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી પહેલાં જ રાજકીય પાટા ગરમાઈ ગયા છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૩૬ બેઠકો માટે જાહેર કરાયેલા નવા રોટેશનથી સમગ્ર જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. અનામત બેઠકોની યાદી બહાર પડતા જ વર્ષોથી દબદબો જમાવનાર નેતાઓ માટે પડકાર ઊભો થયો છે, તો બીજી તરફ નવા ચહેરાઓ માટે રાજકારણમાં પ્રવેશનો દરવાજો ખુલ્યો છે.

નવા રોટેશન મુજબ અનુસૂચિત આદિજાતિ (એસ.ટી.) માટે નોંધપાત્ર બેઠકો ફાળવાઈ છે. અનાવલ, અરેઠ, કરચેલીયા, મહુવા અને વરેલી બેઠકો એસ.ટી. સ્ત્રી માટે અનામત રાખાતા આ વિસ્તારોમાં રાજકીય દ્રશ્ય સંપૂર્ણપણે બદલાશે. કામરેજ બેઠક અનુસૂચિત જાતિ (એસ.સી.) માટે ફાળવાતા ત્યાં પણ પરંપરાગત દાવેદારોની ગણિત ગડબડ થઈ શકે છે.જો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસ.ઈ.બી.સી.) માટે બાબેન, દેવગઢ અને ઘાણાવડ બેઠકો અનામત થતાં સ્થાનિક સ્તરે યુવા અને નવી નેતાગીરીને પ્રોત્સાહન મળશે. હજીરા, મોરા (ચોર્યાસી), મોરા (ઓલપાડ) અને નવાગામ બેઠકો સામાન્ય તથા સામાન્ય સ્ત્રી કેટેગરીમાં આવતાં અહીં સીધી રાજકીય ટક્કર જામવાની સંભાવના છે.

ખાસ કરીને ચોર્યાસી અને ઓલપાડ તાલુકામાં બિન-અનામત બેઠકોનું પ્રમાણ યથાવત રહેતાં પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ વધુ રસપ્રદ બનશે. બીજી તરફ બારડોલી, માંડવી અને માંગરોળ પંથકમાં આદિવાસી મતોનું ધ્રુવીકરણ ચૂંટણીનું પરિણામ નક્કી કરી શકે છે.આ રોટેશન માત્ર બેઠકોની હેરફેર નથી, પરંતુ સત્તાના કેન્દ્રમાં નવી શક્તિઓને સ્થાન આપવાનો સંકેત છે. હવે નજર રહેશે કે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો કેવી રીતે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારો પસંદ કરે છે. સુરત જિલ્લા પંચાયતની આ ચૂંટણી રાજકીય પેઢી બદલાવનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top