Vadodara

જૂની અદાવતનો રોષ: બાઇક સળગાવી, પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી

પાણીગેટ પોલીસ મથક હદમાં બનાવ; આરોપી ફરાર, કડક કાર્યવાહી કરવાની માંગ
પ્રતિનિધિ | વડોદરા | તા. 24
સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વોની હિંમત વધતી જાય તેવી ઘટના સામે આવી છે. જૂની અદાવતના રોષે એક માથાભારે શખ્સે ભાઈની બાઈક સળગાવી દીધી હોવાનો આક્ષેપ થયો છે. ઉપરાંત પરિવારના સભ્યોને જીવતા સળગાવી દેવાની ધમકી આપ્યાનો પણ આરોપ મૂકાયો છે.
ઘટના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં બની હતી. બાઇકમાં આગ લગાડ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની લપેટમાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

જૂની મેટરની અદાવત હોવાનો આક્ષેપ
પારસ સોસાયટીમાં રહેતા રોહિત શર્માએ જણાવ્યું કે વારસિયા વિસ્તારમાં રહેતા વિશાલ નામના વ્યક્તિ સાથે અગાઉ કોઈ મુદ્દે વિવાદ થયો હતો. તે મામલે સમાધાન થઈ ગયું હોવા છતાં આરોપી તેમના ઘરે આવી બહેન અને માતાને ધમકી આપી ગયો હતો.
રોહિતના જણાવ્યા મુજબ આરોપી ફરી એક વખત આવ્યો અને તેમની બાઇક સળગાવી દીધી. સાથે જ પરિવારને ગંભીર ધમકીઓ આપી હતી.

આક્ષેપ મુજબ આરોપીએ કહ્યું હતું કે,
તને અને તારા પરિવારને જીવતા સળગાવી દઈશ, જે થાય તે કરી લે.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે આરોપી પોતાને “મોટો બુટલેગર” હોવાનો દાવો કરી ધમકીઓ આપતો હતો.
પોલીસમાં ફરિયાદ, કડક સજાની માંગ
આ સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદીની માંગ છે કે આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને સુરક્ષા આપવામાં આવે.

શહેરમાં વધતી ગુનાખોરી અંગે ચિંતા
આ ઘટનાને પગલે શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ દ્વારા આરોપીને ઝડપવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top