Gujarat

‘સુજલામ સુફલામ જળ અભિયાન–જળ સંચય જનભાગીદારી ૨.૦’નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો – ૩૧ મે સુધી મહાઅભિયાન ચાલશે

ગાંધીનગર,તા.23
ગુજરાતમાં જળ સંચય અને જળ સંગ્રહને લોકઆંદોલન બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સુજલામ સુફલામ જળ અભિયાન–જળ સંચય જનભાગીદારી ૨.૦’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના “કેચ ધ રેઈન” આહવાનને સાકાર બનાવતા આ મહાઅભિયાન તા. ૨૩ ફેબ્રુઆરીથી ૩૧ મે ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં યોજાશે.

આ વર્ષના અભિયાનની શરૂઆત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે તળાવ ઊંડું કરવાની કામગીરીથી કરવામાં આવી હતી. તળાવ ઊંડું થતાં તેની સંગ્રહ ક્ષમતા ભવિષ્યમાં ૨.૦૧ લાખ ઘનફૂટ સુધી પહોંચશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮થી શરૂ થયેલા આ અભિયાન હેઠળ છેલ્લા ૮ વર્ષમાં ૧,૨૨,૨૯૯થી વધુ કામો હાથ ધરાયા છે. જેમાં ૩૯,૫૪૨ તળાવો સંબંધિત કામગીરી, ૨૬,૫૪૪ ચેકડેમ ડીસીલ્ટીંગ અને ૮૨,૨૪૦ કિલોમીટર લંબાઈમાં નહેરો-કાંસની સફાઈના કામો પૂર્ણ થયા છે. પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં ૧,૩૯,૯૫૯ લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે અને ૨૧૦ લાખ માનવદિન રોજગારીનું સર્જન થયું છે.

અભિયાન હેઠળ તાલુકા દીઠ ૧૦ તળાવો ઊંડા કરવાની નેમ સાથે પાણી સંગ્રહ ક્ષમતા વધારવાના વ્યાપક કામો હાથ ધરાશે. ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા અને વરસાદી પાણીના સંગ્રહને મજબૂત કરવા રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન-પર્યાવરણ અને શહેરી વિકાસ સહિતના ૬ જેટલા વિભાગો લોકભાગીદારીથી કામગીરી કરશે.

અભિયાનમાં હયાત તળાવો ઊંડા કરવાના, ચેકડેમ અને જળાશયોનું ડીસીલ્ટીંગ, નુકસાનગ્રસ્ત ચેકડેમોની મરામત, નહેરો અને કાંસની સફાઈ-જાળવણી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ તળાવ, પીવાના પાણીના સ્ત્રોતોની સફાઈ, વેસ્ટ વિયર રીપેરીંગ તેમજ નદીપ્રવાહમાં અવરોધરૂપ ગાંડા બાવળ-ઝાડીઓ દૂર કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. ‘સુજલામ સુફલામ’ અભિયાનને જનભાગીદારીનું શક્તિશાળી માધ્યમ બનાવતા રાજ્ય સરકાર જળ સંરક્ષણને દીર્ઘકાલીન અને સ્થાયી વિકાસ સાથે જોડતી દિશામાં દ્રઢ પગલા ભરી રહી છે.

Most Popular

To Top