Editorial

અમેરિકામાં ભારતીયો દ્વારા સંચાલિત ગેરકાયદે ઓનલાઇન ફાર્મસીઓ: ભારતના દવા ઉદ્યોગની છાપ વધુ બગડી

હાલ થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે અમેરિકાના ફેડરલ સત્તાવાળાઓએ ભારત સ્થિત એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન સાથે  જોડાયેલી 200થી વધુ વેબસાઇટ ડોમેન્સ જપ્ત કરી છે. આ ગેરકાયદેસર ઓનલાઇન ફાર્મસીઓ કથિત રીતે ઓછામાં ઓછા છ જીવલેણ અને ચાર  બિન-જીવલેણ ડ્રગ ડોઝ માટે જવાબદાર છે. યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) ની દેશભરની ફિલ્ડ ઓફિસોએ અનેક ઓપરેશન હાથ  ધર્યા હતા, જેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું એક નિવેદનમાં જણાવાયું હતું. આ અહેવાલ એ હાલમાં ભારત માટે ફાર્મસી  ક્ષેત્રે બહાર આવેલા શરમજનક અહેવાલોની પરંપરામાં એક નવા અહેવાલ છે. આ પહેલા ઝેરી કફ સિરપોની બાબતમાં ભારત વિશ્વમાં ઘણુ  બદનામ થઇ ચુક્યું છે.

DEA એ ન્યૂયોર્કના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટેની યુએસ એટર્ની ઓફિસના સહયોગથી ‘ઓપરેશન મેલ્ટડાઉન’ ના ભાગરૂપે ભારત સ્થિત આંતરરાષ્ટ્રીય  ગુનાહિત સંગઠનો (TCOs) સાથે સંકળાયેલા 200થી વધુ વેબસાઇટ ડોમેન્સ જપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ ગેરકાયદેસર ઓનલાઇન  ફાર્મસીઓ સાથે જોડાયેલા TCOs ની DEA ના રોકી માઉન્ટેન ફિલ્ડ ડિવિઝન દ્વારા 2022 થી તપાસ કરવામાં આવી રહી હતી. DEA એ  જણાવ્યું હતું કે આ એજન્સી ભારત સરકારના કાયદા અમલીકરણ ભાગીદારો સાથે મળીને આવા પ્રકારના ગેરકાયદેસર ડ્રગ હેરફેરના ઓપરેશનમાં  સંકળાયેલા ખતરનાક ગુનાહિત સંગઠનોને ઓળખવા, તપાસ કરવા અને તેમને ખતમ કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.

તેણે જણાવ્યું હતું કે  ગેરકાયદેસર ફાર્માસ્યુટિકલ વિતરકો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે અને અમેરિકન નાગરિકોના જાહેર આરોગ્ય અને સુરક્ષાને જોખમમાં  મૂકતી ગેરકાયદેસર દવાઓના પ્રવાહને રોકવાના તેના પ્રયાસોમાં અડગ રહેશે. દેખીતી રીતે અમેરિકી નાગરિકોના જીવન સાથે થતાં ચેડાની  બાબતમાં તેણે સ્વાભાવિક રીતે કડક અભિગમ અપનાવ્યો છે પરંતુ આમાં ભારતીયો સંડોવાયેલા છે તે બાબત બહાર આવતા ફાર્મસી ક્ષેત્રે વૈશ્વિક  ગજુ કાઢવા માગતા ભારતની શાખને આ એક મોટો ફટકો છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે 27 જાન્યુઆરી, 2026 થી શરૂ કરીને સમગ્ર  અમેરિકામાં DEA ફિલ્ડ ઓફિસોએ અનેક ઓપરેશન્સ હાથ ધર્યા હતા, જેના કારણે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ  તાત્કાલિક સસ્પેન્શન ઓર્ડર (ISO) તેમજ એક ‘ઓર્ડર ટુ શો કોઝ’ જારી કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી ઉપરાંત, અમેરિકી સરકારે 200થી  વધુ ઓનલાઇન ફાર્મસીઓ બંધ કરી દીધી હતી, જેમના પર માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના લાખોની સંખ્યામાં દવાઓ અને નકલી ગોળીઓ  પહોંચાડવાનો આરોપ હતો. તપાસકર્તાઓએ નિર્ધારિત કર્યું કે આ ઓનલાઇન ફાર્મસીઓના સંચાલકો અને તેમના સહ-કાવતરાખોરો સમગ્ર  યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાહકોને માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ ગેરકાયદેસર રીતે આપી રહ્યા હતા અને મોકલી રહ્યા હતા, જે ફેડરલ નિયમોનું  ઉલ્લંઘન છે. તપાસ દરમિયાન એવા હજારો  ગ્રાહકોની ઓળખ કરવામાં આવી જેમણે આ ઓનલાઇન ફાર્મસીઓ દ્વારા દવાઓ ખરીદી હતી.  ત્યારબાદ, DEA એ આ ચાલુ તપાસમાં માહિતી મેળવવા માટે જનતાને 20,000 થી વધુ પત્રો મોકલ્યા છે.

DEA એડમિનિસ્ટ્રેટર ટેરેન્સ કોલે  જણાવ્યું હતું કે, આ કેસ દર્શાવે છે કે કેવી રીતે વિદેશી સ્થિત તસ્કરો આપણી હેલ્થકેર સિસ્ટમનો દુરુપયોગ કરે છે, ઇન્ટરનેટ પાછળ સંતાય છે અને  કાયદેસરના વેપારના બહાને ખતરનાક દવાઓ પહોંચાડવા માટે અમેરિકાનીની અંદરના લોકોનો ઉપયોગ કરે છે.  તેમણે વધુમાં ઉમેર્યું કે  ગેરકાયદેસર ઓનલાઇન ફાર્મસીઓ નકલી અને બિન-મંજૂર ગોળીઓ વેચે છે અને તેમને કોઈ નુકસાન પામે કે મૃત્યુ પામે તેની પરવા હોતી નથી.  આ એક ખૂબ ગંભીર બાબત છે. આના પરથી એવી છાપ ઉભી થાય છે કે ભારતીય કૌભાંડકારીઓ નાણા માટે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા  પણ અચકાતા નથી. આવી ઉભી થયેલી છાપને કારણે કાયદેસરની ભારતીય નિકાસકાર ફાર્મસીઓની છબી પણ બગડી શકે છે.

હાલ છેલ્લા કેટલાક સમયમાં ભારતીય ઉત્પાદકો દ્વારા વિવિધ વિદેશોમાં નિકાસ કરવામાં આવેલ ખાસ કરીને બાળકો માટેની કફ સિરપોના કારણે  વિદેશોમાં અનેક બાળકોના મોત થવાના અહેવાલોને કારણે ભારતીય ફાર્મસી ઉદ્યોગને મોટું લાંછન લાગ્યું હતું. ભારતીય સત્તાવાળાઓએ અલબત્ત,  આ ફાર્મસી સંચાલકો સામે ત્વરિત પગલા લીધા તે સારી વાત છે પરંતુ છબીને નુકસાન તો થઇ જ ગયું છે. તેમાં વળી આ અમેરિકામાં ભારતીયો  દ્વારા ચલાવાતી ગેરકાયદે ઓનલાઇન ફાર્મસીની વાત બહાર આવી છે. આપણા વડાપ્રધાન જ્યારે ભારતને વૈશ્વિક ફાર્મસી હબ બનાવવાની વાત  કરતા હોય તેવા સમયે આવી ઘટનાઓ સર્જાય તે ઘણી શરમજનક બાબત છે. આવા કૃત્યો કરનાર તત્વો સામે ભારત સરકારે પણ કડક હાથે કામ  લેવાની જરૂર છે.

Most Popular

To Top