Charchapatra

ચાલશે, ભાવશે, ગમશે.. માનસિકતા ક્યારે અપનાવવી?

અહીં એક પ્રૌઢ બહેન અને વડીલ આ વિભાગમાં સલાહ આપી ચૂકયા છે, જેમાં વૃદ્ધોએ ઘરમાં પત્ની કે પુત્ર યા પુત્રવધૂ જે કહે તે મુજબ બધું અપનાવી લેવું,ચલાવી લેવુ તો ઘરમાં પણ શાંતિ જળવાઈ રહેશે.આમ શા માટે? આ વાત સાથે હું બિલકુલ સંમત નથી. હું નિવૃત્ત થયો ત્યારે મારે પણ આમાંથી પસાર થવાનું આવ્યું. મેં પહેરેલા શર્ટનો કોલર સહેજ  ફાટેલો હતો એટલે બાજુએ મૂકી બીજું પહેર્યું, તો પત્ની કહે, જરા કોલરથી ફાટયું છે એમાં શું?જમતી વખતે દાળમાં વઘાર બરાબર ન લાગ્યો ને પુત્રવધૂને ટકોર કરી ,એટલે ભવાં ચઢાવી કહે, હવે તમે નિવૃત્ત થયા. આવી નાની બાબતમાં શું મગજમારી કરો છો? બહાર જતા પુત્રને યાદ અપાવ્યું કે બુટ પોલીશની ડબ્બી લેતો આવજે,  તો કહે, તમારે આ ઉંમરે બુટ ચમકાવીને કયાં જવું  છે?

ઘરનાં તમામને પછી નજીક બોલાવી મેં કહી દીધું કે કાન ખોલીને સાંભળી લો કે જયાં સુધી હાથપગ અને શરીર સાથ આપશે ત્યાં સુધી હું કોઈ પણ બાબતમાં ચલાવી લેવોનો નથી. તમારે મારી વાત ના માનવી હોય તો ના કહી દો. વૃદ્ધાવસ્થા એ શાપ નથી. જોબ વખતે ટ્રેનમાં વર્ષો સુધી અપડાઉન, બે ખાનાનું ટીફીન  ખાવાનું અને અન્ય જવાબદારીઓને કારણે ઘણું મરજી મુજબ ના થઈ શકયું. હવે જે થોડાં વર્ષો છે તેમાં હું મારા શોખ મુજબ જ જીવીશ. વધુ ઉંમરને કારણે શારીરિક ક્ષમતા નહિ રહે ત્યારે તમે ચાલશે, ફાવશે, ગમશેની વાત લઈને મારી પાસે આવજો, શું સમજયા?
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top