કેટલાક વિસ્તારના રસ્તા ભીના થયા, કેટલાક વિસ્તારોમાં કોરું કટ
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશેની આગાહી કરવામાં આવી છે. ત્યારે, મોડી રાત્રે અને વહેલી સવારે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં કોરું કટ રહ્યું હતું.
વડોદરામાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમીનો પારો સતત બીજા દિવસે સ્થિર રહ્યો હતો. જ્યારે, ઠંડી વિદાય લઈ રહી છે. ગુરુવારે મહત્તમ તાપમાન 33 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા અને સાંજે 30 ટકા નોંધાયું હતું.

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા ઊભી થઈ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરતા ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાતોના મત મુજબ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે.
ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે, વડોદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતો પણ ચિંચાતૂર થયા છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે, ખેડૂતોમાં હાલ કેરીમાં મોર આવવાનો સમય હોય તેમજ ઘઉંના પાકમાં દાણા ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય જો માવઠું પડે તો પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે, વડોદરા સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે, કેટલાક વિસ્તારોમાં કોરું કટ રહ્યું હતું.