ભાજપમાં જિલ્લા પ્રમુખોની નવી નિમણૂક, વડોદરા સહિત ત્રણ જિલ્લાને નવા નેતૃત્વની જવાબદારી
વડોદરા:
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા આજ રોજ જાહેર કરાયેલી આ નિમણૂકો હેઠળ ત્રણ જિલ્લાઓના ભાજપ જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

જાહેર કરાયેલ યાદી મુજબ, વડોદરા જિલ્લામાં ડૉ. બળદેવભાઈ જીવાભાઈ બ્રહ્મભટ્ટ (ડૉ. બી.જે.બ્રહ્મભટ્ટ)ને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વાવ-થરાદ જિલ્લામાં ડૉ. નરેશભાઈ ઠાકોરને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી હાર્દિકભાઈ મેરુભાઈ તમાલિયાને ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી આ નિમણૂકો કરવામાં આવી હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે. નવા નિયુક્ત પ્રમુખો તેમના જિલ્લાઓમાં પાર્ટીના કાર્યને વધુ ગતિ આપવા, કાર્યકરોને સંગઠિત કરવા અને આગામી રાજકીય પડકારો માટે ભાજપને તૈયાર કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ નિમણૂકો અંગે પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટે સત્તાવાર સહી સાથે આદેશ જાહેર કર્યો છે.