ગાંધીનગર,તા.15
ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહના હસ્તે આ આધુનિક અને પારદર્શક પ્રણાલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ નવી વ્યવસ્થાથી ગરીબ અને પાત્ર લાભાર્થીઓને સબસિડીયુક્ત અનાજ ડિજિટલ ટોકન પદ્ધતિથી મળશે. ‘અન્નપૂર્તિ ગ્રેઇન ATM’ દ્વારા માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ વિતરણ શક્ય બનશે, જેમાં વજન, કિંમત અને ગુણવત્તાની સંપૂર્ણ સચોટતા રહેશે. બાયોમેટ્રિક ઓળખ અને રિઝર્વ બેંકની પેમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત આ પ્રણાલી ભ્રષ્ટાચાર અને વચેટિયાઓને પૂર્ણવિરામ આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘ડિજિટલ ઇન્ડિયા’નો વ્યાપ હવે જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યો છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં સમગ્ર દેશમાં આ પ્રણાલી અમલમાં મૂકવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે ઉમેર્યું કે આજે ભારત ડિજિટલ વ્યવહારોમાં વિશ્વમાં અગ્રેસર છે અને વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાં અડધાથી વધુ હિસ્સો ભારતનો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજી અને સુશાસનના સમન્વયથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હવે લાભાર્થીઓને રેશનિંગની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને ૨૪ કલાક ગમે ત્યારે ગ્રેઇન ATM પરથી અનાજ મેળવી શકશે. કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીએ આ પહેલને ગરીબી સામેનો ડિજિટલ સત્યાગ્રહ ગણાવ્યો.
કાર્યક્રમ દરમિયાન ૧ કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેર દાળના વિતરણનો પ્રારંભ, સાબરમતી ઝોનમાં ગ્રેઇન ATM સુવિધાનો શુભારંભ અને ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનની શરૂઆત કરવામાં આવી. ઉપરાંત ગ્રાહક હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહક શિક્ષણ તથા સંશોધન કેન્દ્ર વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.ગુજરાતમાંથી શરૂ થયેલી આ ડિજિટલ અને લીક-પ્રૂફ જાહેર વિતરણ પ્રણાલી હવે સમગ્ર દેશમાં ગરીબ અને પાત્ર લાભાર્થીઓ સુધી પારદર્શક રીતે અનાજ પહોંચાડવાની દિશામાં મક્કમ પગલું સાબિત થશે.