Gujarat

અમદાવાદ- સુરત એરપોર્ટ દાણચોરી માટે હોટસ્પોટ

વર્ષ 2025માં 88 કેસ, કુલ 28.74 કરોડનો મુદ્દામાલ જપ્ત, 41ની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દાણચોરી માટે હોટસ્પોટ બની રહ્યાં હોય તેવી સ્થિતિ સામે આવી છે. વર્ષ 2025 દરમિયાન કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બંને એરપોર્ટ પરથી કુલ 88 કેસ નોંધ્યા હતા અને અંદાજે રૂ. 28.74 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 41 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નોંધાયેલા કેસોમાંથી 19 કેસો દાણચોરીના હતા, જેમાં સોનાના દાગીના, સોનાના બિસ્કીટ, ગાંજો, હસીસ અને કિંમતી ઘડિયાળોના જથ્થાનો સમાવેશ થાય છે.

તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી રૂ. 96 લાખનું સોનું ઝડપાયું હતું. આરોપીએ અંદરવસ્ત્રમાં પેસ્ટ સ્વરૂપે આશરે રૂ. 45 લાખનું સોનું છુપાવીને લાવવાનો પ્રયાસ કર્યો હતો. તે જ રીતે બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા દિલ્હીના સુનિલ ભાટિયા પાસેથી 108.07 ગ્રામ સોનું (અંદાજિત કિંમત રૂ. 17.19 લાખ) જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપીએ મોંમાં કાળી ટેપથી લપેટેલા ચાર કેપ્સ્યૂલ આકારના સોનાના બિસ્કીટ સંતાડ્યા હતા. જેદ્દાહથી અમદાવાદ આવેલી અકાસા એરની ફ્લાઇટમાં આવેલી ચાર મહિલાઓના સામાનની સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. તપાસમાં 945.57 ગ્રામ વજનની 7 સોનાની ચેઇન (રોડિયમ કોટેડ) અને 7 બંગડીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. 1.52 કરોડ જેટલી થાય છે.

અમદાવાદ અને સુરત એરપોર્ટ પર વધતી દાણચોરીની ઘટનાઓ વચ્ચે કસ્ટમ્સ વિભાગે કડક દેખરેખ અને ગુપ્તચર તંત્રના સશક્ત જાળથી મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હોવાનું જણાવ્યું છે. 2025ના આંકડાઓ દર્શાવે છે કે એર ઇન્ટેલિજન્સ યુનિટની બાજનજરને કારણે કરોડો રૂપિયાનો ગેરકાયદે માલ બજારમાં પહોંચતા પહેલાં જ કબજે કરવામાં સફળતા મળી છે.

સોનાના ભાવમાં સતત વધારો થતાં દાણચોરીના કેસોમાં વધારો
સોનાના ભાવમાં સતત વધારો થતાં દાણચોરીના કેસોમાં વધારો નોંધાયો છે. સાથે સાથે ગાંજા સહિતના નશીલા પદાર્થોની હેરાફેરીના પ્રયાસો પણ સામે આવ્યા છે. એક કિસ્સામાં ટ્રોલી બેગના તળિયામાં છૂપાવવામાં આવેલા ગાંજાના જથ્થાને બહાર કાઢવા અધિકારીઓએ 17 મિનિટ સુધી સાધનોની મદદથી બેગ તોડવી પડી હતી. અન્ય એક કેસમાં મહિલાને શરીરમાં કેપ્સ્યૂલ સ્વરૂપે નશીલો પદાર્થ લાવવાના ગુનામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

દરિયાઈ માર્ગે થતી દાણચોરી હવે હવાઈ માર્ગે
કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલીજન્સ યુનિટ સાથે સંકળાયેલા અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દાણચોરો વિવિધ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા હોવાથી સતત ટેક્નોલોજીકલ અપડેટ અને અદ્યતન સ્કેનિંગ મશીનોની મદદ લેવામાં આવી રહી છે. એક સમયે દરિયાઈ માર્ગે થતી દાણચોરી હવે હવાઈ માર્ગે ખસેડાઈ હોવાનું પણ અધિકારીઓ માની રહ્યા છે.

Most Popular

To Top