SURAT

રસ્તા પરનું બાળપણ હવે વર્ગખંડમાં ફેરવાશે, ભીક્ષાની જગ્યાએ હાથ માં પુસ્તકો આવશે

સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીક્ષા માંગતા બાળકોને હવે નવો માર્ગ મળશે. “ભીક્ષા નહીં, શિક્ષા”ના અભિગમ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખી અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડ અને ચાર રસ્તાઓ પર ભીક્ષા માંગતા ૬થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવા માટે ‘સિગ્નલ સ્કૂલ’ પ્રોજેક્ટ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ મનપા, ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી અને શિક્ષણ સમિતિ-સુરતના સંયુક્ત ઉપક્રમે પ્રાયોગિક ધોરણે આગામી 5 થી 7 દિવસમાં શરૂ કરવામાં આવશે જેવી માહિતી શિક્ષણ સમિતિ ના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા આપવામાં આવી છે, પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા આપવામાં આવેલા લેખિત સૂચન બાદ આ યોજના પર કામ ઝડપથી આગળ વધારવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ અધ્યક્ષે બજેટમાં પણ આ વિશેષ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને એક ‘સિગ્નલ સ્કૂલ’ માટે અંદાજિત ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ માનવામાં આવ્યો છે.

હાલ શિક્ષણ સમિતિ દ્વારા ચાર અલગ-અલગ ટીમો બનાવી શહેરના મુખ્ય સિગ્નલો પર ભીક્ષા માંગતા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બાળકો અને તેમના વાલીઓની સંમતિ મેળવી તેમને મફત શિક્ષણ સુવિધા આપવા આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તબક્કામાં એક બસને ચાઈલ્ડ-ફ્રેન્ડલી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવી રહી છે. આ બસમાં ૬ કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, એજ્યુકેશનલ પ્રોગ્રામ, પીવાના પાણીની સુવિધા અને બાળકો માટે મનોરંજક-શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવશે.સિગ્નલ પરથી બાળકોને બસ મારફતે લાવી શાળા સમય દરમિયાન બ્રિજ કોર્સ કરાવવામાં આવશે. ત્રણથી ચાર માસ સુધી ઉંમર અનુસાર જરૂરી શૈક્ષણિક તૈયારી અપાસે, ત્યારબાદ આગામી શૈક્ષણિક સત્રથી નજીકની મનપાની શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

બાળકોને કપડા, ભોજન અને આરોગ્ય તપાસ જેવી મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. શાળા પૂર્ણ થયા બાદ બાળકોને ફરી તેમના વાલીઓને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવશે.સુરત મનપા નો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ ભવિષ્યને નવી દિશા આપવાનો છે. રસ્તા પરનું બાળપણ હવે વર્ગખંડમાં ફેરવાશે અને ભીક્ષાની જગ્યાએ પુસ્તકો આવશે. જો આ પ્રાયોગિક પ્રોજેક્ટ સફળ સાબિત થશે, તો નજીકના ભવિષ્યમાં શહેર સહીત ગ્રામીય ને પણ આવરી લેવામાં આવશે,સુરતમાં હવે એક નવી શરૂઆત થવા જઈ રહી છે,જ્યાં દરેક બાળકને મળશે શિક્ષણનો અધિકાર અને ઉજ્જવળ આવતીકાલની આશા.

Most Popular

To Top