SURAT

વરાછામાં 24 કલાકમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,16.40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સુપરત

સુરત શહેરમાં વધતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્ટીવ થઇ છે. વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીના કેસમાં સુરત પોલીસે માત્ર 24 કલાકમાં જ ચોંકાવનારી સફળતા મેળવી છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને તેને અસલી માલિકને પરત સોંપતા પોલીસે પોતાની કામગીરીનો એક ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે.

સાધના સોસાયટીમાં આવેલું એક મકાન થોડા દિવસોથી બંધ હતું. તસ્કરોએ તકનો લાભ લઈને બંધ મકાનને નિશાન બનાવ્યું અને અંદર ઘૂસી લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા.ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘરના માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી તપાસ તેજ બનાવી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક શંકાસ્પદ આરોપીને ઝડપી લીધો. કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી દીધી હતી. તેના પાસેથી રૂપિયા 16.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં કિંમતી ઘડિયાળો, રોકડ રકમ અને સોનાના દાગીનાઓનો સમાવેશ થાય છે.

સુરત પોલીસ ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત ગુનામાંથી રિકવર કરાયેલો મુદ્દામાલ ત્વરિત રીતે મૂળ માલિકને પરત આપવાની કામગીરી કરી છે. આ કેસમાં પણ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 16.40 લાખ રૂપિયાનો સામાન ભોગ બનનાર પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોતાની ગુમાવેલી મૂડી આટલી ઝડપથી અને સુરક્ષિત રીતે પરત મળતા પરિવારજનો ભાવુક બની પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, શહેરમાં મિલકત વિરોધી ગુનાઓને કડકાઈથી કાબૂમાં લેવા માટે પોલીસ સતત સજાગ છે. સાધના સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસ ની ટીમે દિવસ-રાત મહેનત કરીને માત્ર એક જ દિવસમાં આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

આ બનાવ ફરી એકવાર સાબિત કરે છે કે સુરત પોલીસ ગુનાખોરી સામે સખત વલણ અપનાવી રહી છે અને નાગરિકોની મિલકતની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 24 કલાકમાં ચોરી ઉકેલાઈ જતાં વિસ્તારમાં રહેવાસીઓમાં પણ વિશ્વાસ અને સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

Most Popular

To Top