SURAT

રંગેહાથ ઝડપાયેલા શખ્સે ઘૂંટણિયે પડી માફી માગી, વીડિયો વાયરલ

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં BRTS બસમાં ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સને મુસાફરોએ રંગેહાથ પકડી પાડ્યો હતો. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ પણ તપાસમાં સક્રિય થઈ છે.વાઈરલ વિડીઓ પરથી મળતી માહિતી મુજબ, ડિંડોલીની માનસી રેસીડેન્સી નજીકથી પસાર થતી BRTS બસમાં સામાન્ય કરતાં વધુ ભીડ હતી. ઓફિસ સમય હોવાને કારણે મુસાફરો મોટી સંખ્યામાં બસમાં સવાર હતા. આ ગીચ પરિસ્થિતિનો લાભ લઈ એક યુવાન મુસાફરોના ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, એક જાગૃત મુસાફરે તેની હરકત પર નજર રાખી અને તરત જ શંકા વ્યક્ત કરી. થોડા જ ક્ષણોમાં અન્ય મુસાફરો પણ સતર્ક બન્યા અને શખ્સને પકડી પાડ્યો.તમામ ના બસમાંથી નીચે ઉતાર્યા બાદ પરિસ્થિતિ તંગ બની ગઈ. લોકોમાં ચોરીની વધતી ઘટનાઓને લઈ પહેલેથી જ અસંતોષ હતો, જે અહીં ફાટી નીકળ્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ શખ્સને ઘેરી લીધો અને તેને ઠપકો આપ્યો. ધકકામુક્કી વચ્ચે તેના કપડાં ફાટી ગયા અને તે ઇજા પામ્યો હોવાનું જણાયું. પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે પહેલાં કેટલાક સમજદાર લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો.

લોકોના રોષ સામે લાચાર બનેલા શખ્સે અંતે ઘૂંટણિયે પડી માફી માંગવાની શરૂઆત કરી. તેણે હાથ જોડી પોતાની ભૂલ સ્વીકારી અને ફરી આવું નહીં કરવાની ખાતરી આપી. ઘટના સ્થળે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, જેના કારણે રસ્તા પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો.આ સમગ્ર બનાવનો વીડિયો કોઈક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર મૂકી દીધો, જે ઝડપથી વાયરલ થયો. વીડિયો વાયરલ થતા જ ડિંડોલી પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સંડોવાયેલા વ્યક્તિનો ભૂતકાળ પણ ચકાસવામાં આવશે. સાથે જ, જાહેરમાં કાયદો હાથમાં લેવાની ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે.

હાલ તો સુરત ના અનેક વિસ્તારોમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે લોકોમાં અસુરક્ષાની ભાવના વધી રહી છે. સાથે જ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠી છે.આ બનાવે એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે,ચોરી સામે કડક કાર્યવાહી જરૂરી છે, પરંતુ કાયદો હાથમાં લેવો યોગ્ય છે કે નહીં? હાલ તો પોલીસે  વાઈરલ વિડીઓ અને સ્થાનિકો ની પૂછપરચ ના આધારે તપાસ શરુ કરી છે.

Most Popular

To Top