રાવપુરા આવાસ કચેરીએ વિસ્થાપિતોનો હલ્લાબોલ; “એક સપ્તાહમાં મકાન નહીં મળે તો મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ઘેરાવો કરીશું.”
વડોદરા: શહેરના ગોરવા દશામાં મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પરથી ચાર મહિના પહેલાં વિસ્થાપિત કરાયેલા 300થી વધુ પરિવારો આજે પણ છત વગર રઝળી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા મકાન આપવાના વાયદા અને નાણાં ઉઘરાવ્યા બાદ પણ ડ્રો ન કરાતા, રોષે ભરાયેલા સેંકડો રહીશોએ સોમવારે રાવપુરા શાળા નં. 1 સ્થિત એફોર્ડેબલ હાઉસિંગની ઓફિસનો ઘેરાવો કર્યો હતો. રહીશોએ ચીમકી આપી છે કે જો એક સપ્તાહમાં આવાસ નહીં ફાળવાય તો મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગોરવા દશામાં મંદિર પાસે વર્ષોથી ઝૂંપડા બનાવી રહેતા પરિવારોને ચાર મહિના અગાઉ કોર્પોરેશનની દબાણ શાખાએ હટાવ્યા હતા. તે સમયે અધિકારીઓએ ખાતરી આપી હતી કે તમામને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, લાભાર્થીઓએ મકાન પેટેના નાણાં ભરી દીધા હોવા છતાં આજદિન સુધી ડ્રોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. ગત સોમવારે પણ રહીશો ઓફિસે આવ્યા ત્યારે અધિકારીઓએ ‘આવતા સોમવાર’ સુધીમાં ડ્રો કરવાની ખાતરી આપી હતી, જેનો અમલ ન થતા લોકોનો પિત્તો ગયો હતો.
કલાકો સુધી ઓફિસ બહાર બેસી રહેવા છતાં કોઈ જવાબદાર અધિકારી બહાર ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાજિક કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જો આગામી એક અઠવાડિયામાં ડ્રો કરીને મકાનોની ફાળવણી કરવામાં નહીં આવે, તો તમામ અસરગ્રસ્તો ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કરશે.”
ભરઉનાળે રોડ પર રહેવા મજબૂર: બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી:
*ભરઉનાળાની ગરમી: કાળઝાળ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે રહેવું અશક્ય બની ગયું છે.
*આરોગ્યના પ્રશ્નો: રોડ પર રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, પરિણામે નાના બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે.
*નાણાકીય બોજ: ગરીબ પરિવારોએ ઉછીના-પાછીના કરીને મકાનના પૈસા ભર્યા છે, છતાં તેમને હજુ સુધી ઘરની ચાવી મળી નથી.