Vadodara

વાડીમાં પાલિકાનું ‘બુલડોઝર’ ફર્યું: સંવેદનશીલ વિસ્તારમાં મેગા ઓપરેશન

સ્વામીનારાયણ મંદિરથી પોલીસ સ્ટેશન સુધી તંત્ર ત્રાટક્યું; હવે દબાણો ફરી ન ખડકાય તે જોવું પાલિકા માટે મોટો પડકાર

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓટલા અને લારી-ગલ્લાનો સફાયો; એક ટ્રક ભરી સામાન જપ્ત

વડોદરા: શહેરના અતિ ગીચ અને સંવેદનશીલ ગણાતા વાડી વિસ્તારમાં આજે વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા આક્રમક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વારંવારની રજૂઆતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યાને પગલે તંત્રે સ્વામીનારાયણ મંદિરથી છેક વાડી પોલીસ મથક સુધીના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

વાડી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને તેની સંવેદનશીલતાને ધ્યાને રાખીને પાલિકાની ટીમ સોમવારે સવારથી જ વિશાળ પોલીસ કાફલા સાથે મેદાનમાં ઉતરી હતી. ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ પણ ખડેપગે રહી હતી. પાલિકાના જેસીબી મશીનોએ રસ્તા પર નડતરરૂપ એવા કાચા-પાકા ઓટલાઓ તોડી પાડ્યા હતા, જ્યારે ફૂટપાથ રોકીને ઊભેલા અનેક લારી-ગલ્લાઓને એક ટ્રક ભરી સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

લાંબા સમયથી આ વિસ્તારના રહીશો અને વાહનચાલકો રસ્તા પરના દબાણોને કારણે ત્રસ્ત હતા. પીક અવર્સમાં અહીંથી પસાર થવું મુશ્કેલ બની જતું હતું. પાલિકાની આ તવાઈને કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ દબાણકર્તા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સવાલોના ઘેરામાં પાલિકાની કામગીરી

જોકે, આ કામગીરી બાદ સ્થાનિકોમાં અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે. અગાઉ પણ અનેકવાર આ માર્ગ પરથી દબાણો હટાવવામાં આવ્યા છે, પરંતુ ગણતરીના દિવસોમાં જ સ્થિતિ ‘જૈસે થે’ થઈ જતી હોય છે.
*​શું પાલિકા આ વખતે આ માર્ગને કાયમી ધોરણે દબાણમુક્ત રાખી શકશે?
*​હપ્તાખોરી અને રાજકીય ઓથ નીચે ફરી ખડકાતા લારી-ગલ્લા સામે શું કડક પગલાં લેવાશે?
*​માત્ર દેખાડો કરવા પૂરતી કામગીરી કે પછી કોઈ નક્કર આયોજન?

Most Popular

To Top