સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે કડક વલણ અપનાવતાં હવે પાલિકાનો ફૂડ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયો છે. વર્ષોથી તહેવારો પૂરતા સીમિત રહેલી ખાદ્ય ચીજોની ચકાસણીની પ્રણાલી હવે બંધ કરવામાં આવી છે. પાલિકાના ફૂડ વિભાગને હવે વર્ષના ૩૬૫ દિવસ શહેરભરમાં ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
૩૬૫ દિવસ ભેળસેળ સામે જંગ,સ્થાયી સમિતિના આદેશથી નવી પ્રણાલી
આજ રોજ સુરતના વિવિધ ઝોનમાં ફૂડ વિભાગ દ્વારા ડેરી, ફરસાણની દુકાનો, મીઠાઈના વિક્રેતાઓ અને નાની-મોટી રેસ્ટોરન્ટ્સમાં સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ ઉપર કાયમી લગામ લગાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી દિવાળી, હોળી, ચાંદી પડવો કે શ્રાવણ માસ જેવા તહેવારોમાં જ ચેકિંગ થતું હતું, પરંતુ તેના લેબ રિપોર્ટ તહેવારો પૂરા થયા બાદ આવતા હોવાથી આખી કાર્યવાહી હાસ્યાસ્પદ બની જતી હતી.વર્ષો સુધી ચાલતી આ પ્રણાલી સામે વ્યાપક ફરિયાદો બાદ હવે સ્થાયી સમિતિની બેઠકમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે ચેકિંગ કામગીરી તહેવારો પૂરતી નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ચાલુ રાખવાની રહેશે. સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ નો સ્પષ્ટ આદેશ છે કે સેમ્પલિંગ માત્ર દેખાવ પૂરતું નહીં રહે, તેની અસર જમીન પર દેખાવી જોઈએ.
આ નવા નિર્ણય મુજબ ફૂડ વિભાગે રોજ લેવામાં આવતા તમામ સેમ્પલ અને કરાયેલી તપાસનો ડેઈલી રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, સમગ્ર મહિના દરમિયાન કરાયેલી કામગીરીનો વિગતવાર પરફોર્મન્સ રિપોર્ટ દર મહિને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના વડા પર આ જવાબદારી સીધી રહેશે.ઉલ્લેખનીય છે કે સુરતમાં એક જ વર્ષમાં ૭૫ હજાર કિલોથી વધુ ભેળસેળયુક્ત તેલ, ઘી, માખણ અને ડેરી પ્રોડક્ટ્સનો જથ્થો ઝડપાયો છે. મોટાભાગના કેસમાં લેબોરેટરી રિપોર્ટ ત્યારે આવે છે, જ્યારે લોકો તે ખાદ્ય ચીજો આરોગી ચૂક્યા હોય છે, આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈ પાલિકા દ્વારા આધુનિક સાધનો ખરીદવાની પણ યોજના બનાવાઈ છે.હવે શહેરના તમામ ઝોનમાં ગમે ત્યારે સરપ્રાઈઝ તપાસ થશે. ભેળસેળ કરનાર વેપારીઓ માટે આ કડક સંદેશ છે કે હવે કોઈ ઢીલ નહીં. સુરતીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ સમજૂતી નહીં આ સંકલ્પ સાથે ફૂડ વિભાગ હવે સતત મેદાનમાં રહેશે.