શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના અતિ પ્રિય આરાધ્ય દેવ છે. એમના જન્મ સ્થળે અને જયાં એમણે લીલા કરી હતી એ યાત્રાસ્થળે જવાનું પ્રત્યેક હિંદુ ભકતનું સ્વપ્ન હોય છે. મથુરા અને વૃંદાવન યાત્રાધામ તરીકે અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. યાત્રાધામ તરીકે ઉત્તમ છે જ પરંતુ ત્યાં અનહદ શ્રધ્ધાળુઓની ભીડ દૃશ્યમાન થાય છે. બાંકેબિહારી, પ્રેમમંદિર, રાધાવલ્લભ બરસાના વિ. મંદિરમાં ભીડને કારણે જો કોઇ વ્યકિત સંતુલન ગુમાવે તો ભકતો એ વ્યકિતને ઊભો કરવાને બદલે એના ઉપરથી પસાર થઇ જાય છે જે અનહદ ધૃણાસ્પદ કહેવાય. ત્યાં વાંદરા અને શ્વાનનો પણ ત્રાસ અનહદ છે. ચશ્મા, મોબાઇલ, પ્રસાદ, પર્સ વિ. કપિરાજ છીનવી લે છે! બિસ્કીટ કે ફ્રૂટી આપવામાં આવતાં એ પરત પણ કરે છે!
વળી આટલા બધા યાત્રાળુઓ આવે છે પણ ત્યાં ગટર સિસ્ટમ નથી. વૃંદાવન, ગોકુળ, બરસાના તમામ સ્થળે રસ્તાની બેઉ બાજુ ગટરગંગા વહેતી હોય છે જેની દુર્ગંધથી ત્રાસ થઇ જાય છે. ગટર પર ઢાંકણ લગાવવાનું પણ પ્રશાસનને સૂઝતું નથી! ભકતો પણ વિના સંકોચે ત્યાં ખાદ્યપદાર્થો આરોગે છે! દૂધનો અનહદ બગાડ થાય છે. શ્રધ્ધાની વાત છે. પણ અંધશ્રધ્ધા શું કામની? યાત્રાળુઓ પણ સ્વયં શિસ્ત જાળવતાં નથી જ. ગંદકી ફેલાવવામાં ભકતોનો ફાળો પણ અગ્રગણ્ય છે. અજાણ્યા યાત્રાળુઓને રીક્ષાચાલકો મનફાવે તેમ લૂંટે પણ છે. અમુક મંદિર અતિસ્વચ્છ પણ છે. જેની નોંધ લેવી જ રહી. પણ રસ્તા, ગટર, ગંદકી વિ.થી અને કપિરાજથી ચેતતા રહેવું સાવધ રહેવું જરૂરી.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે