Dakshin Gujarat

કડોદરામાં અન્ય યુવક સાથે વાત કરતી હોવાની શંકામાં નરાધમે સગીરાને બ્લેડના ઘા ઝીંક્યા

પલસાણા: કડોદરા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં એક શખ્સે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા બાદ સગીરા અન્ય યુવક સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા રાખી શખ્સે સગીરાના ગાલ પર બ્લેડનો ઘા મારી દીધો હતો. સગીરાની માતાએ આ અંગે શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા કડોદરા પોલીસે બળાત્કાર અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસમથક વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના સાસારામ જિલ્લાના છોટુ ગુપ્તનાથ શર્માએ અગાઉ તેની સોસાયટીમાં જ રહેતી 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આથી સગીરાનો પરિવાર અન્ય સોસાયટીમાં રહેવા જતો રહ્યો હતો. તેમ છતાં છોટુએ સગીરા સાથે પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો અને તેઓ એક બીજાને મળતા હતા. આ દરમ્યાન છોટુએ સગીરા સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

છોટુને વહેમ હતો કે તેની પ્રેમિકા અન્ય કોઈ યુવક સાથે ફોન પર વાત કરે છે. આથી તેણે ગત શનિવારે સગીરાને મળવાના બહાને બોલાવી હતી અને તેની સાથે ઝઘડો કરી બ્લેડનો ઘા ઝીંકી ડાબા ગાલ પર ઇજા પહોંચાડી હતી અને જો અન્ય છોકરા સાથે સંબંધ રાખશે તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી નાસી ગયો હતો. સગીરાએ તેની માતાને આ વાતની જાણ કરતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી અને સારવાર કરાવ્યા બાદ બીજા દિવસે સવારે કડોદરા પોલીસ મથકમાં છોટુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top