Vadodara

વડોદરા : પરિણીતાને સાત વર્ષ બાદ પૂર્વ પ્રેમીની મેસેજ દ્વારા હેરાનગતિ..

પરિણીતાએ મારા લગ્ન થઈ ગયા છે તેવું કહેતા તેને મારી નાખવાની ધમકી..

માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પૂર્વ પ્રેમીએ સાત વર્ષ બાદ ફરી મેસેજ હેરાન કરવાનું શરુ કર્યું હતું. જેથી મહિલાએ તેને ફોન કરીને જણાવ્યું હતુંકે હવે મારા લગ્ન થઈ ગયા છે.જેથી તું મને મેસેજ ના કર. ત્યારે પૂર્વ પ્રેમીએ મહિલા તથા તેના પતિને બીભત્સ ગાળો ભાંડવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ તેના વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીત મહિલા તેના પતિ તથા એક દિકરી સાથે રહે છે. લગ્ન પહેલા વર્ષ 2013માં ઈકબાલ ઈબ્રાહિમ રાઠોડ નામના વ્યક્તિ સાથે તેમને મિત્રતા થઈ હતી અને ત્યારબાદ આશરે 2014માં તેના લગ્ન બીજી મહિલા સાથે થઈ જતા યુવતીએ આપણે હવે કોઈ મિત્રતા રાખવી નથી તેમ કહયું હતું. ત્યારબાદ યુવતીએ પણ ફેબ્રુઆરી-2017માં મેરેજ રજીસ્ટ્રેશન કરી લગ્ન કરી લીધા હતા. સાત વર્ષ બાદ 15 સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાં પૂર્વ પ્રેમી ઇકબાલ ઈબ્રાહિમે મહિલાને મેસેજ કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જેથી પરિણીતાએ તેને ફોન કરી જણાવ્યું હતું કે મેસેજ ના કરીશ મારા લગ્ન થઈ ગયા છે અને તારા લગ્ન પણ થઈ ગયા છે. ત્યારે પૂર્વ પ્રેમીએ ઉશ્કેરાઈને પરિણીતા અને તેમના પતિને બિભત્સ ગાળો બોલ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મેસેજ તથા ધમકી આપનાર પૂર્વ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top