સુરત(Surat): શહેરના જહાંગીરપુરા (Jahangirpura) વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં 45 વર્ષીય આધેડે લલચાવી ફસાવીને 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ (Rape) કર્યું હોવાની ઘટના સામે આવી છે. વાસનાલોલુપ મુસ્લિમ આધેડ 50-100 રૂપિયા આપી 3 મહિનાથી કિશોરી સાથે બદકામ કરતો હતો. કિશોરી ગર્ભવતી થતાં આધેડના પાપ પરથી પડદો ઉઠ્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે આધેડની હવસલીલામાં કિશોરીની બહેનપણી પણ સામેલ હતી. બહેનપણી જ કિશોરીને આધેડના ઘરે લઈ જતી હતી. એટલું જ નહીં હવસખોર આધેડ દ્વારા અપાતા રૂપિયા પણ પડાવી લેતી હતી. માતાપિતાને કહી દેવાની ધમકી આપતી હતી. પોલીસે આ કેસમાં પીડિત કિશોરીની તબીબી તપાસ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આધેડની ધરપકડ કરી લેવાઈ છે. તપાસ ચાલી રહી છે. પીડિત કિશોરીને મેડિકલ તપાસ માટે સિવિલ મોકવામાં આવી છે. કિશોરી શ્રમજીવી મુસ્લિમ પરિવારની દીકરી છે. 5 બહેનો અને એક ભાઈમાં મોટી છે. પિતા હાલ પથારી વશ છે. જ્યારે માતા લોકોના ઘરમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આરોપી પીડિત પરિવારના ઘરની ઉપરના માળે જ રહે છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે અચાનક 13 વર્ષની દીકરીને ઉલટી થવા સાથે પેટમાં દુ:ખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરી હતી. જેમાં માસુમ કિશોરીએ તમામ હકીકત જણાવી દીધી હતી. આથી પરિવારે જહાંગીરપુરા પોલીસને ફરિયાદ કરી હતી. પરિવારની ફરિયાદના પગલે પોલીસે હવસખોર પાડોશી પઠાણ આલમગીરી મિયા અલીફખાનની ધરપકડ કરી હતી.
અઠવાડિયામાં બે દિવસ કિશોરી સાથે આરોપી દુષ્કર્મ કરતો
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી આલમગીરી અને એની પત્ની શાકભાજી ની લારી ચલાવે છે. અઠવાડિયાના બે દિવસ આલમગીરી બહાનું કાઢી પત્નીને શાકભાજી વેચવા મોકલી દેતો હતો. ત્યાર બાદ પીડિત કિશોરીની બહેનપણીનો સંપર્ક કરી કિશોરીને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. ત્યાર બાદ જો કોઈને વાત કરી છે તો તારા માતા-પિતાને મારી નાંખીશ એવી ધમકી આપી 50-100 રૂપિયા પણ આપતો હતો. જે રૂપિયા બહાર રાહ જોતી બહેનપણી પીડિત કિશોરી પાસે લઈ લેતી અને કહેતી આપશે નહીં તો તારા ઘરે જાણ કરી દઈશ. આવી રીતે આ ઘટનાની વાસ્તવિકતા હાલ સામે આવી છે. મેડિકલ ચેકપ બાદ તમામ પુરાવા સાથે આગળની કાર્યવાહી કરવા પોલીસ દોડી રહી છે.