એક ફિલ્મી ગીતમાં ગીતકારે વ્યથા ઠાલવી છે કે પક્ષીઓ, પશુઓ, નદીઓ, સૂર્ય-ચંદ્રનાં કિરણો મુક્ત રીતે વિહરી શકે છે, પણ માનવોએ દેશ પ્રદેશની સીમાઓ બાંધી છે. વિદેશમાં જવા માટે તો પાસપોર્ટ, વીઝા સાથે પરવાનગી લેવાની રહે છે, પણ ભારતીય નાગરિકોને પોતાના જ દેશમાં કેટલીક જગ્યાએ જવા પ્રતિબંધોનો ખ્યાલ રાખવો પડે છે. એક જ દેશમાંના પ્રતિબંધો સ્વતંત્ર નાગરિકોને અકળાવી શકે છે. એવી વ્યવસ્થાવાળા વિસ્તારોમાં જવા માટે તેમને પરવાનગી લેવી પડે છે, એક કારણ સલામતીનું પણ છે, એટલે ત્યાં જવા ઈચ્છનારે પોતાના જરૂરી બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખી ઈનર લાઈન પરમિશન મેળવવી પડે છે.
લક્ષદ્વીપમાં ભારતીય પ્રવાસીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે, પોતાની તમામ ઓળખો પણ સાથે રાખવી પડે છે, પરમિટ મેળવ્યા પછી રાજ્યના સ્ટેશન હાઉસ ઓફિસરને સબમિટ કરવી પડે છે, ઓનલાઈન પણ પરમિશન મળી શકે છે. મિઝોરમના પ્રવાસ માટે પણ આંતરિક લાઈન પરમિટ જરૂરી છે. તેને મિઝોરમ સરકારના લાયઝન ઓફિસર પાસેથી મેળવવી પડે છે. ફ્લાઈટ દ્વારા જનારને લેંગપુઈ એરપોર્ટ પરથી જ પરવાનગી મળી શકે છે, પંદર દિવસ અને છ મહિના માટે પણ માન્ય એવી પરમિટ હોય છે.
સિક્કિમના નાથુલા પાસ સોમગો બાબા મંદિર, ઝોંગરી ટ્રેક, સિંગાલીલા ટ્રેક, યુપ્રેસામ ડોંગ, ગુરુડોંગ માર લેક ટ્રીપ, યુમથામ, ઝીરો પોઈન્ટ ટ્રીપ અને થંગુ ચોપતાવેલી ટ્રીપ માટે પરવાનગી પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મળી શકે છે. નાગાલેન્ડ પ્રવાસ માટે પણ એવી જ રીતે પરમિશન મળે છે. અરુણાચલ પ્રદેશમાં જવા માટે રેસિડન્ટ કમિશનર અને સરકારની પરવાનગી જરૂરી છે. લશ્કરી દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો પર કડક નિયંત્રણ રહે છે. ભારતનાં જ સ્થળોએ જવા માટે ભારતીયોએ પરવાનગી લેવી પડે છે, તે એક જ દેશમાંના વિહરવા અંગે નિયત પ્રતિબંધો જરા ખૂંચે તેવી બાબત પણ જણાય.
સુરત – યૂસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કોઇ એકનું પહેલું મૃત્યુ થાય તો
યુવાનીમાં સ્ત્રી વિધવા થાય તો અત્યંત દુ:ખકર સ્થિતિ પેદા કરે છે. પતિ કે પત્નીમાંથી કોઇ એકનું પહેલું મૃત્યુ થાય તો બીજી વ્યકિત માટે દુ:ખના ડુંગરા તૂટી પડી શકે. તેનું મુખ્ય કારણ એ કે પહેલી મરનાર વ્યકિત તો મરીને છૂટી જાય, પણ પાછળ રહી જનાર સાથીને ઘણું ખરું સમયનો લાંબો પટ કદાચ એકલપંડે પસાર કરવો પડે. માણસ જાતની મર્યાદા અને વિશેષતા એ છે કે તે સંગત, સોબત અને સહવાસ વિના ચલાવી શકતી નથી.
વિજલપોર – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ