Columns

નાની એવી વાત

એક ઉંદરને ખોરાક શોધતાં શોધતાં એક મોટી બરણી અનાજ ભરેલી દેખાઈ અને તે દોડીને ઢાંકણું ખોલવાની કોશિશ કરવા લાગ્યો અને તેના આનંદાશ્ચર્ય વચ્ચે ઢાંકણું ખુલ્લું હતું અને તે તરત ખૂલી ગયું અને આખી બરણી ભરીને અનાજ તેને મળી ગયું.તે પોતે અનાજના ઢગલા પર બેસી ગયો અને આરામથી જેટલું ખાવું હોય અને જયારે ખાવું હોય તે ખાવા લાગ્યો.ઉંદર બરણીમાં જ અનાજના ઢગલા પર રહેવા લાગ્યો. તેને મજા જ મજા થઈ ગઈ.તેણે ત્યાંથી અનાજ બીજે લઇ જવાનો ક્યાંક સંગ્રહ કરવાનો વિચાર જ ન કર્યો.

થોડા દિવસ આનંદના વીત્યા,ખાવ,પીઓ અને આરામ કરો.ન ખોરાક શોધવા જવાની ચિંતા,ન કોઈના હુમલાનો કે પકડાઈ જવાનો ડર…..બરણીમાં અનાજ અડધું થઈ ગયું પણ ઉંદરના ધ્યાનમાં જ ના આવ્યું કે તે બરણીમાં અડધે સુધી અંદર આવી ગયો છે. હજી નીચે જશે તો બહાર નહિ નીકળી શકે.હજુ થોડા દિવસ વીત્યા, બરણીનું અનાજ ખાલી થવા આવ્યું હતું અને તેને ખાઈને ઉંદર જાડિયો અલમસ્ત થઇ ગયો હતો.અનાજનું તળિયું આવી ગયું અને ભરેલી બરણીમાં અનાજ પર બેઠેલો હવે ખાલી બરણીના તળિયે આવી ગયો.હવે કરવું શું?

મોજ મજા પૂરી થઇ?કાયા અલમસ્ત થઈ ગઈ હતી અને આટલા દિવસથી ખોરાક શોધવાની મહેનત કરી ન હતી એટલી ચપળતા પણ રહી ન હતી.ઉંદર પોતે જાતે કૂદીને મોટી બરણીની બહાર નીકળી શકે તેમ ન હતો. હવે ઉંદર જે બરણીમાં મોજથી અનાજ ખાતો હતો તેમાં જ ભૂખો મરવા લાગ્યો.તેના બચવાનો એક જ રસ્તો હતો કે કોઈ ફરી પાછું આ બરણીમાં અનાજ ભરી દે તો ઉંદર ફરી ઉપર આવી તે અનાજ ખાઈને જીવી શકે.પણ આમ થવાની શક્યતા બહુ હતી નહિ અને જો કોઈ અનાજ ભરે તો અંદર રહેલા ઉંદરને તો ભગાડી દે અથવા પકડી લે અને જો કદાચ કોઈ અનાજ ભરાય તો પણ તે ઉંદરની પસંદગીનું તો ન જ હોય.

આમ થોડા દિવસ મહેનત વિના મોજ મજા કર્યા બાદ હવે ઉંદરના બચવાની કોઈ શક્યતા રહી ન હતી.હવે તેને કાં તો અહીં જ ભૂખ્યા મરવાનું હતું અથવા કોઈનું ધ્યાન જાય તો પકડીને મરવાનું હતું. આ નાનકડા ઉંદરની નાની વાત જીવનના મહત્ત્વના પાઠ શીખવાડે છે,જયારે તમને વગર મહેનતે તરત ફાયદો થાય ત્યારે ચેતજો, લાંબે ગાળે તેમાં નુકસાન થઈ શકે છે.જયારે તમને બધું સહેલાઈથી મળવા લાગે અને તે તે સહેલાઈથી મળતી વસ્તુઓથી ટેવાઈ જાવ.પછી તમે જીવનમાં અઘરી પરિસ્થિતિઓનો સામનો કરી શક્તા નથી.જયારે તમે તમારી આવડત અને ખાસિયતનો ઉપયોગ કરતા નથી ત્યારે ધીમે ધીમે તે આવડત અને ખાસિયત તમે ગુમાવવા લાગો છો અને આવડત વિના તમને પોતાની પસંદગીનો ક્યારેય મોકો મળતો નથી.ખરા સમયે જરૂરી પગલાં લેવાં જરૂરી છે અથવા તમે બધું ગુમાવી બેસો છો.

Most Popular

To Top