વર્ષો પહેલાં સુરતીઓ મુંબઇની જીવનશૈલીથી પ્રભાવિત હતાં. મુંબઈની મોટી મોટી રહેણાંક અને વાણિજ્ય ઇમારતો, મોટા મોટા રસ્તાઓ, ફ્લાયઓવર બ્રિજો, માર્કેટો, શોપિંગ મોલ, થિયેટરો, મલ્ટીનેશનલ કંપનીના શો રૂમ, હરવા ફરવાનાં સ્થળો, પચરંગી વસ્તી જાણે મીની ભારત, મોંઘીદાટ હોટલ અને રેસ્ટોરન્ટ, કલબ, જિમ, ભરચક રેલવે સ્ટેશન, હવાઇ મથક, મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલો, દરિયાના બીચ, પશ્ચિમી કલ્ચર, હાઇફાઈ ગાડીઓ, મોડર્ન લાઇફ સ્ટાઇલ, આર્થિક રીતે સમૃદ્ધ શહેર, ભાગદોડવાળી જિંદગી, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક, પૈસાની પાછળ આંધળી દોટ, આવી હતી અને છે મુંબઇની જીવનશૈલી.
છેલ્લા બે-ત્રણ દાયકામાં સુરતનો મુંબઇ જેવો વિકાસ થયો. જાણે સુરત એટલે મુંબઇનો નાનો ભાઈ. હવે જે મુંબઇમાં છે તે સુરતમાં છે. શું આપણે સુરતીઓ માત્ર વિકાસની લ્હાયમાં સુરતી જીવનશૈલી અને સુરતની મૂળ સંસ્કૃતિ ભૂલી તો રહ્યાં નથી ને? વૃક્ષ મોટું થાય ત્યારે તેના મૂળનું જતન નહીં થાય તો વૃક્ષના અસ્તિત્વ પર જોખમ ઊભું થાય છે.
સુરત -કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આઈપીએલ પર અંકુશ જરૂરી
વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપની અતિ મહત્ત્વની મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે બૂરી રીતે હારી ગયું. ભારતની બેટિંગ જેટલી ગાજેલી એટલી વરસી નહીં. ભારતીય ક્રિકેટરોને આરામની જરૂર છે પરંતુ આપણા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટરોને મશીન સમજે છે અને ખેલાડીઓ પણ પૈસાની લાલચમાં સતત ક્રિકેટ રમતા થાકી ગયા હોય તેવું પ્રતીત થાય છે. રોહિત શર્મા હવે અંત તરફ જઈ રહ્યા હોય તેવું લાગે છે.
અનેક સિરિઝોમાં ફેલ થયા પછી પણ રોહિત શર્માને હજુયે લેવો પડે છે તે કમનસીબી છે. આઇપી એલની ટીટ્વેન્ટી મેચો પછી ટેસ્ટ મેચ નજીકના સમયમાં જ હોય ખેલાડીઓને પૂરતી તૈયારી કે આરામ કરવાનો સમય મળી શક્યો નથી અને તેથી જ થાકેલી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ હારી ગયું હોય તેવું પ્રતીત થાય છે.
દર વર્ષે ipl રમાય છે તે બે મહિના સુધી ચાલે છે. ત્યાર પછી દશ મહિના ટેસ્ટ શ્રેણી વન ડે અને t20 સિરીઝોની સતત ભરમાર હોય છે. ipl દર વર્ષે નહીં, પણ બે ત્રણ વર્ષ પછીના ગાળામાં રમાવી જોઈએ જેથી કરી વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં ખેલાડીઓ આરામ મળતાં શ્રેણીઓમાં વધુ ધ્યાન આપી શકે. જો ક્રિકેટ ટકાવવી હશે તો ipl પર અંકુશ મૂકવો જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.