સુરત: ઘર નજીક ભાઈ અને માતાની નજર સામે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરનાર ફેનિલના હાથ-પગ કાપી જાહેરમાં જ્યાં ગ્રીષ્માની હત્યા થઈ તે જ જગ્યા પર ફાંસી આપી દેવાની માંગ ગ્રીષ્માના પરિવારજનોએ કરી છે. ગ્રીષ્માની હત્યા બાદ પહેલીવાર જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરતા ગ્રીષ્માના પરિવારે રડતી આંખે કહ્યું કે, મારી દીકરીનો શું વાંક હતો? તે તો પીએસઆઈ બનવા માંગતી હતી. તેની સાથે કેમ આવું થયું? ફેનિલ પર કેસ પણ ચાલવો જોઈએ નહીં. પોલીસને કયા પુરાવા જોઈએ છે? ગ્રીષ્માની હત્યાનો વીડિયોનો પુરાવો પૂરતો નથી. ફેનિલને તો તાત્કાલિક જ ફાંસી આપી દેવી જોઈએ.
સુરતના છેડે કામરેજ નજીક પાસોદરા ગામની પહેલી સોસાયટી લક્ષ્મીધામની બીજી ગલીમાં ગયા શનિવારે તા. 12 ફેબ્રુઆરીના રોજ યુવતીનું ગળું ચીરી હત્યાની નિર્મમ ઘટનાએ આખાય દેશને હચમચાવી મુક્યો છે. આ ઘટનાની ભીતરમાં જઈએ તો ગ્રીષ્મા એક સામાન્ય પાટીદાર પરિવારની લાડકી દીકરી હતી. 22-12-2002ના રોજ જન્મેલી ગ્રીષ્મા ભણવામાં હોંશિયાર, વડીલોની આમાન્યા જાળવનારી સંસ્કારી દીકરી હતી. બે વર્ષ એનસીસીની ટ્રેનિંગ લઈ ચૂકેલી ગ્રીષ્માને પીએસઆઈ બનવું હતું. શનિવારે જ્યારે તેની હત્યા થઈ તેના થોડા કલાકો પહેલાં જ ગ્રીષ્માએ આફ્રિકામાં કામ કરતા તેના પિતા નંદલાલ વેકરીયા સાથે વાત કરી હતી. નંદલાલભાઈએ તે યાદ કરતાં કહ્યું કે, ગ્રીષ્માએ શહેર છોડીને બીજે ભણવા જવાની ઈચ્છા ફોન પર વ્યક્ત કરી હતી. મને શું ખબર કે તે લફંગા ફેનિલથી છૂટકારો મેળવવા શહેર છોડવા માંગતી હતી. નંદલાલભાઈએ કહ્યું કે, મારો ભાઈ અશોક મારી સાથે આફ્રિકા હતો. તેને મને કહ્યું કે, પિતાજીની તબિયત ખરાબ છે અને સુરત લઈ આવ્યો. અહીં આવ્યો ત્યારે મને કહ્યું કે, ગ્રીષ્માની હત્યા થઈ છે, ત્યારથી હું ભાન ગુમાવી બેઠો હતો. મેં તે વીડિયો જોયો નથી અને જોવા માંગતો નથી. એટલું કહીશ કે ફેનિલને જાહેરમાં ફાંસી આપવી જોઈએ.
ગ્રીષ્માની હત્યાને નજરોનજર જોનાર તેની માતા અને ભાઈ ધ્રુવના આંસું રોકાતા નથી. ભાઈ ધ્રુવે કહ્યું કે, હું સાત મીટર દૂર હતો. દુનિયાનો હું એ કમનસીબ ભાઈ છું જેણે તેની નજર સામે બહેનની નિર્મમ હત્યા થતી જોઈ છે. હું મારી બહેનને બચાવી શક્યો નહીં. તે દિવસને યાદ કરતા ધ્રુવે કહ્યું કે, મોટી બહેન ગ્રીષ્મા ઘરે આવી અને કહ્યું છોકરો મારો પીછો કરે છે. સોસાયટીના ગેટ પર ઉભો છે. તેથી હું અને મારા મોટા પપ્પા તે છોકરા પાસે ગયા ત્યારે જોયું કે તેની પાસે ચાર ચપ્પુ હતા. અમે તેની સાથે વાત કરવા પ્રયાસ કરીએ ત્યાં તો તેને ઘા ઝીંકવા માંડ્યા હતા. તેથી અમે ભાગ્યા અને અમને બચાવવા ગ્રીષ્મા ઘરેથી દોડી આવી. ફેનિલે ત્યારે ગ્રીષ્માને પકડી લીધી. હું, મારી મમ્મી, કાકી તેને સમજાવવા પ્રયાસ કરતા હતા પરંતુ તે માન્યો નહીં અને મારી બહેનને મારી નાંખી. આટલું બોલતા તો ધ્રુવ રડી પડ્યો.
ધ્રુવને સાંત્વના આપતા તેની ફોઈ રાધાબહેને કહ્યું કે, એક વર્ષ પહેલાં ગ્રીષ્માએ તેને એક છોકરો હેરાન કરતો હોવાનું કહ્યું હતું. ગ્રીષ્માને કોઈ છોકરો હેરાન કરતો હતો ત્યારે કોઈ મિત્રએ ગ્રીષ્માની ઓળખાણ ફેનિલ સાથે કરાવી હતી. ત્યારે ગ્રીષ્માની મદદ કર્યા બાદ ફેનિલ ગ્રીષ્મા પાછળ પડી ગયો હતો. તેને મેસેજ કરતો હતો કે મારી સાથે ફ્રેન્ડશીપ રાખ નહીં તો હું તારા માત-પિતાને મારી નાંખીશ. ત્યારે ગ્રીષ્માએ મને વાત કરી હતી. ગ્રીષ્મા હિંમતવાળી છોકરી હતી. તેણે મને એમ પણ કહ્યું હતું કે, આ ગુજરાત છે. અહીં કોઈ લફંગાની હિંમત નથી કે કોઈની દીકરી સાથે ગેરવર્તન કરે. ત્યારે ગ્રીષ્માને શું ખબર કે આ ગુજરાતમાં પણ જંગલીઓ રહે છે. મારી દીકરીને મારી નાંખનારના હાથ-પગ કાપી જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ. સોસાયટીના રહીશોએ પણ ગ્રીષ્માની હત્યા થઈ તે જ ઠેકાણે ફેનિલને ફાંસી આપવા માંગ કરી હતી.
ફોટો મોર્ફ કરેલો છે, ગ્રીષ્માને ફેનિલ સાથે કોઈ સંબંધ નહોતો: પિતરાઈ ભાઈ
ગ્રીષ્માના પિતરાઈ ભાઈ પ્રિન્સે કહ્યું કે, ગ્રીષ્મા અને ફેનિલનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તે બધા પુરાવા ઉપજાવી કાઢેલાં છે. ગ્રીષ્માને ફેનિલ સાથે કોઈ સંબંધ નહોતો. ફેનિલની તેના મિત્ર સાથેની વાતચીતનો ઓડિયો પણ પ્રિપ્લાન્ડ હોવાનો આરોપ પ્રિન્સે મુક્યો હતો. પ્રિન્સે કહ્યું કે, ફેનિલ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો. તે કપલ બોક્સ ચલાવતો હતો. તેને તો આકરી સજા થવી જોઈએ.
ઈજાગ્રસ્ત કાકાને હજુ ગ્રીષ્માની હત્યાની જાણ નથી
ફેનિલે ચપ્પુના વાર કરતા પેટમાં ઈજા પામેલા ગ્રીષ્માના મોટા પપ્પા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓએ ચાર દિવસથી પાણી પણ પીધું નથી. ગ્રીષ્માની મોટી મમ્મીએ કહ્યું કે, તેમને હજુ સુધી ખબર નથી કે ગ્રીષ્મા હવે આ દુનિયામાં રહી નથી. તેઓ હજુ પુછે છે કે ગ્રીષ્માને કેવું છે? તેમને શું જવાબ આપું. ગ્રીષ્મા તેમની ખૂબ લાડકી હતી.
ફેનિલ સાથે સંબંધની વાતો ખોટી
ગ્રીષ્માના માતા-પિતા, ભાઈ સહિતના પરિવારજનોએ કહ્યું કે, ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે સંબંધ હોવાની વાત ઉપજાવી કાઢેલી છે. અમારા પરિવારે ફેનિલના ઘરે જઈ તેને માર્યો હોવાની વાત પણ ખોટી છે.
કોઈએ એક પત્થરો કેમ માર્યો નહીં, સોસાયટીના રહીશો સામે પિતાએ રોષ વ્યક્ત કર્યો
સાવ સુકલકડી જેવો લબરમૂછિયો છોકરો મારી દીકરીનું ગળું ચીરી રહ્યો હતો ત્યારે તમે કોઈએ એક પત્થરો પણ કેમ માર્યો નહીં? તમે પટેલ કહેવાને લાયક નથી, તેવો રોષ આજે ગ્રીષ્માના પિતા નંદલાલે સોસાયટીના રહીશો સામે વ્યક્ત કર્યો હતો. બેટી બચાવોની મોટી વાતો કરનારા પાટીદારો બાયલા થઈ ગયા છે તેવું દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગ્રીષ્મા એક સંસ્કારી દીકરી હતી: પિતા
પિતા નંદલાલે કહ્યું કે, ગ્રીષ્મા ખૂબ સંસ્કારી હતી. તે કહેતી કે પપ્પા તમને નીચું જોવાનું થાય તેવું કોઈ કામ ક્યારેય નહીં કરું. તે મોબાઈલ લોક રાખતી નહોતી. અમારી સામે જ સહેલીઓ સાથે વાત કરતી હતી. હું આફ્રિકા ગયો ત્યારે રડી રડીને કહેતી કે પપ્પા નહીં જાવ. પણ હું દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે કમાવા ગયો હતો. મને શું ખબર કે હું મારી દીકરીને હવે ક્યારેય જોઈ નહીં શકું? જો મને ખબર હોત તો હું મારી દીકરીને છોડીને ક્યારેય ગયો નહોત.
ગ્રીષ્માના ભાઈ ધ્રુવે કહ્યું, ફેનિલનો આખો પરિવાર ગુનાહિત માનસિકતા ધરાવે છે
ધ્રુવે કહ્યું કે, ફેનિલનો ભાઈ મારી સ્કૂલમાં ભણે છે. તે કેટલાં દિવસથી એમ કહેતો હતો કે મારે ધ્રુવ સાથે ઝઘડો કરવાનો છે. ત્યારે મને કઈ સમજાયું નહોતું. પરંતુ હવે ખ્યાલ આવે છે કે ફેનિલ લાંબો સમયથી મારી બહેનને મારવાનો કારસો રચીને બેઠો છે.
મારી દીકરીનો ફોટો હત્યારા સાથે નહીં છાપો: ગ્રીષ્માના પિતાની મીડિયાને વિનંતી
ગ્રીષ્માની હત્યા થઈ ત્યાર બાદથી ફેનિલ તેના એકતરફી પ્રેમમાં હોવાના સમાચાર છપાઈ રહ્યાં છે. ફેનિલ અને ગ્રીષ્માના સાથે ફોટા છપાઈ રહ્યાં છે. તે અંગે દુ:ખ વ્યક્ત કરતા ગ્રીષ્માના પિતાએ કહ્યું કે, હું મીડિયાને વિનંતી કરું છું કે મહેરબાની કરી મારી દીકરીનો ફોટો તે હત્યારા સાથે નહીં છાપે. મારી દીકરીના મોતને લજવો નહીં. તે એક સંસ્કાર દીકરી હતી. હું કહું છું કે, સરકાર અને પોલીસ હત્યારાને એવી સજા આપે કે ક્યારેય કોઈ લફંગો આવી હરકત કરવાનું વિચારી પણ નહીં શકે.