Gujarat

કપરાડા-ધરમપુર માટે 797 કરોડની ઉદવહન સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી

ગુજરાતના દક્ષિણ પ્રદેશમાં વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપૂર અને કપરાડાન વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક રૂ. 797 કરોડની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે . સીએમ વિજય રૂપાણીએ આ લીલીઝંડી આપી છે.

દમણગંગા જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણાકાંઠા મેઇન કેનાલમાં નાખી કેનાલ ડિસચાર્જ વધારીને ધરમપૂર-કપરાડાના ગામોને પાણી આપવાની સૂચિત કાર્ય યોજના માટે ઇન પ્રિન્સિપલ પરમિશન આપી છે. આ લિફ્ટ ઇરીગેશન-ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત કુલ 163 કિ.મી. પાઇપલાઇન નેટવર્કથી દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકાના 24 ગામોની આશરે 19 હજાર એકર જમીનને તથા ધરમપૂરના 13 ગામોની અંદાજે 13450 એકર જમીનને સિંચાઇ સુવિધા મળતી થશે.

વલસાડ જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે.આ બેય તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહિના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.

સીએમ રૂપાણીએ આવી વિપરીત સ્થિતિમાંથી ધરમપૂર કપરાડાના વનબંધુઓને બહાર લાવી તેમને પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા આપવાની સંપૂર્ણ સંવેદના સાથે દમણગંગા જળાશયમાંથી લિફ્ટ ઇરીગેશન દ્વારા પાણી આપવાની આ સૂચિત કાર્ય યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ લિફ્ટ ઇરીગેશન યોજનાની સંભવિત પથરેખામાં વલસાડ જિલ્લાની ત્રણ મોટી નદીઓ કોલક, પાર અને તાન નદી ક્રોસ કરવાની થશે. આ નદીઓ પર અંદાજે નવ મોટા ચેકડેમ અને તેની પ્રશાખાઓ પર આશરે સાત નાના ચેકડેમ મળી કુલ 16 ચેકડેમમાં પાઇપલાઇનથી પાણી ભરવામાં આવશે.આના પરિણામે આ નદીઓ પૂર્ન:જીવિત થવાથી 1730 એકર જમીનને આ ચેકડેમથી સિંચાઇનો લાભ પણ મળતો થશે.

Most Popular

To Top