Vadodara

આજવા સરોવરના 62 દરવાજા 212 ફૂટના લેવલે સેટ કરાયા

વડોદરા: વડોદરા શહેરના આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 15મી ઓગસ્ટની રાત્રે 12:00 વાગે 212 ફૂટની સપાટીએ સેટ કરવામાં આવતા આજવા સરોવરમાં હવે 31 ઓગસ્ટ સુધી 212 ફૂટના લેવલ સુધી પાણી ભરી શકાશે. આજે સવારે આજવાનું લેવલ 211.25 ફૂટ હતું. હજુ તારીખ 2 ઓગસ્ટના રોજ સરોવરનું લેવલ 15 દિવસના એકધારા ઘટાડા પછી 211 ફૂટ થતાં 62 દરવાજામાંથી પાણીનો ઓવરફ્લો બંધ થયો હતો. જોકે અઠવાડિયા અગાઉ વરસાદને લીધે આજવાનું લેવલ ફરી વધતા 62 દરવાજામાંથી ઓવરફ્લો ચાલુ થયો હતો, અને આ લેવલ વધીને 211.30 ફૂટ સુધી પહોંચી ગયું હતું, પરંતુ વરસાદ બહુ નહીં હોવાથી લેવલ ધીમે ધીમે ઘટી રહ્યું હતું.

દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ 15 ઓગસ્ટ આવતા 62 દરવાજાનું લેવલ 211 ફૂટ થી વધારીને 212 ફૂટ સુધી ગઈ રાત્રે કરી દેવામાં આવ્યું છે. ચોમાસાની ચાલુ સિઝનમાં આજવા સરોવર અને ઉપરવાસમાં ગઈ 18મી જુલાઈની રાત્રીએ વરસાદ થવાને લીધે 19મીએ સવારે સપાટી 211 ફૂટ થી વધી જતા 62 દરવાજામાંથી પાણી નદી તરફ વહેતા થયા હતા, ત્યારથી માંડીને બે ઓગસ્ટની સવાર સવાર સુધી 62 દરવાજા પરથી પાણી ચાલુ જ રહ્યા હતા. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં આજવાનું લેવલ સૌથી વધુ 211.75 ફૂટે પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં આજવા વિસ્તારમાં મોસમનો કુલ વરસાદ 865 મિ.મી થયો છે .સરકારની ગાઈડલાઈન મુજબ આજવા સરોવરમાં 15 ઓગસ્ટ સુધી 62 દરવાજાનું લેવલ 211 ફૂટ રાખવાનું હોય છે, અને તે પછી 31 ઓગસ્ટ સુધી 212 ફુટ સુધી રાખી શકાય છે. આજવામાં 24 કલાકમાં 11 મીમી વરસાદ થયો છે ,જ્યારે આસોજ ફીડર દોઢ ફૂટે ચાલુ રહી હતી.

Most Popular

To Top