Madhya Gujarat

સુંદલપુરામાં યુવક સાથે લગ્ન કરીને 2.39 લાખની છેતરપિંડીમાં 5 ઝબ્બે

આણંદ: ગત જુન માસમાં ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે એક યુવક સાથે બનાવટી લગ્ન કરીને રોકડ, સોના-ચાંદીના દાગીના કપડાં વગેરે લઈને ફરાર થઈ ગયેલી લુંટેરી દુલ્હનના કેસમાં ઉમરેઠ પોલીસે ત્રણ મહિલા સહિત બે પુરૂષોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન લુંટેરી દુલ્હનના કેટલાય કિસ્સાઓ બહાર આવશે તેમ ચર્ચાઇ રહ્યું છે.

ગત માર્ચ માસમાં સુંદલપુરાના જેતપુરા ફળિયામાં રાજુભાઈ ભાઈલાલભાઈ રાઠોડ પોતાની પત્ની મંજુલાબેન, પુત્ર અતુલભાઈ અને પુત્રવધુ સંગીતાબેન સાથે મકાન ભાડેથી રાખી રહેવા માટે આવ્યા હતા.

દરમ્યાન કેલાશબેને ઝાલાને તેમની સાથે પરિચય થતાં લગ્નની વાતો નીકળી હતી. દરમ્યાન રાજુભાઈના ઘરે એક યુવતી મનિષા ઉફે પ્રીયા રહેવા આવી હતી. રાજુભાઈએ તેની ઓળખ પોતાની ભત્રીજી તરીકે આપી હતી. કૈલાશબેનને આ યુવતી પસંદ પડતાં જ તેમણે પોતાના પુત્ર અજય કે જે વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં નોકરી કરતો હતો અને બહેનને ત્યાં રહેતો હતો તેના માટે વાત કરી હતી. રાજુભાઈ તૈયાર થતાં અજયને છોકરી જોવા સુંદલપુરા બોલાવ્યો હતો. જ્યાં બન્નેએ વાતચીત કરતા એકબીજાને પસંદ પડ્યાં હતાં અને લગ્નનું નક્કી કરાયાં હતાં.

રાજુભાઈએ મારી ભત્રીજીના માતા-પિતા નથી, જેથી પૈસાની તંગી હોય કૈલાશબેને પુત્રને જો સારી છોકરી મળતી હોય તો લગ્નનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી. જે પેટે રોકડા ૮૦ હજાર થોડાથોડા કરીને આપ્યા હતા. ત્યારબાદ સોના-ચાંદીના ઘરેણા, કપડાં, મોબાઈલ ફોન, શણગારનો સામાન, શોભાવંતીની સાત થાળી વગેરે વસ્તુઓ આપી હતી અને ગત ૧૫મી તારીખના રોજ રાજુભાઈ રબારીને ત્યાં લગ્નની વિધી રાખી લગ્ન કરાવ્યા હતા. જેમાં જમણવારનો પણ કૈલાશબેને કર્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે રાજુભાઈ મનિષા ઉર્ફે પ્રિયા અને અજયને તેડી ગયા હતા અને રાત્રીના સુમારે જમણવાર કર્યા બાદ અજય અને મનિષાબેન ધાબા પર સુઈ ગયા હતા. રાત્રીના અઢી વાગ્યાના સુમારે અજય ઉઠતાં જ મનિષા ગાયબ હતી જેથી ઘરમાં તપાસ કરતાં કોઈ મળી આવ્યું નહોતું અને ઘરનો બધો સામાન પણ ગાયબ હતો જેથી તેઓની તપાસ કરતા કોઈ મળી આવ્યું નહોતું. વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં તપાસ આરંભી હતી જેમાં તેમને ખબર પડી હતી કે, તેઓ લુંટેરી દુલ્હનનો ભોગ બન્યા છે. જેથી તેમણે ઉમરેઠ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન છેતરપીંડી કરીને ફરાર થઈ ગયેલા શખ્સો ભાવનગર તરફ હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચેયને ઝડપી પાડીને ઉમરેઠ પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાં પુછપરછ કરતાં ઉક્ત ટોળી દ્વારા લગ્નો કરીને અનેક યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે.

Most Popular

To Top