Gujarat

રાજ્યમાં શનિવાર બાદ વરસાદી જોર ઘટશે, 27 ડેમોને કરાયા હાઈ એલર્ટ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદના (Heavy Rain) કારણે પૂરની (Flood) સ્થિતિ સર્જાય છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. અત્યાર સુધીમાં 27 હજારથી વધુ લોકોએ પૂરના કારણે સ્થળાંતર કર્યું છે. જ્યારે 69 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 15 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરવાસ વરસાદના કારણે રાજ્યના 27 ડેમોને (Dam) હાઈ એલર્ટ (High Alert) કરી દેવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના કેટલાક જિલ્લા એવા છે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 34 ઈંચ વરસાદ પડી શકે છે. પરુંત અત્યારસુધી કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. મહત્વનું એ છે કે અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં શનિવારથી વરસાદનું જોર ઘટી જશે.

રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરતમાં ભારે વરસાદ હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ ઓડિશામાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં બે દિવસ ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બેમાંથી એક લૉ પ્રેશર સક્રિય થતા આગામી 24 કલાકમાં ગુજરાત પહોંચશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાજ્યમાં 27 ડેમ હાઈ એલર્ટ
રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે 27 ડેમોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આ 27 ડેમોને એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે. 27 ડેમમાંથી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ આપવામાં આવ્યા છે, જ્યારે 8 ડેમમાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમમાં 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે.

24 કલાકમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 124 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બે તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 101.90 એમ.એમ. વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 20.24 એમ.એમ. વરસાદ નોંધાયો છે. તેમજ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 24.94 એમ.એમ. વરસાદ પડ્યો છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 73.48 ટકા વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top