Vadodara

25 લાખ વળતર માટે મ્યુ.અને પોલીસ કમિશનર સહિત કલેક્ટરને નોટિસ

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ઢોરને કારણે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે જ ઢોર પકડવાની કામગીરી જોરશોરથી કરીને પાલિકાની ઢોર પાર્ટી સંતોષ માને છે. થોડા દિવસ અગાઉ વાઘોડીયા રોડ પર થયેલા ગંભીર અકસ્માતના પગલે મેયરની સીધી સૂચનાથી પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગેરકાયદેસર બનેલા નવ ઢોરવાળા સીલ કરવામાં આવ્યા હતા. શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર 25 દિવસ અગાઉ ગાયે ભેટી મારતા વિદ્યાર્થીને એક આંખમાં ગુમાવવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ મુલાકાત તેમજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.

પરંતુ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા હવે તેમણે એડવોકેટ મારફતે 25 લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર,વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે.ગત.10મી મેના રોજ સાંજે નારાયણ સ્કૂલ પાસે વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર ગાયનું શિંગડું જમણી આંખે વાગતા 17 વર્ષીય વિદ્યાર્થી હેનીલ નીતિનભાઈ પટેલની આંખ ફૂટી ગઈ હતી. ધોરણ-10ની પરીક્ષામાં તે 88.34 ટકા માર્કસ સાથે પાસ થયો હતો.ગુજરાત પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા ઉપર અડચણ રૂપ દબાણ ની કામગીરી વડોદરા કોર્પોરેશન તથા સંલગ્ન કર્મચારીઓની છે. ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસ કમિશનરની છે.

કોઈ પણ પશુ ને જાહેરમાં રસ્તા પર રખડતા મૂકી ન શકે અને જો તેમ કરે તો તે અટકાવવા ની ફરજ મ્યુનિસિપલ કમિશનર તથા તેમના તાબાના અધિકારી કર્મચારીઓની છે.આ માટે વડોદરા કોર્પોરેશનમાં અલાયદા વાહનોની તથા કર્મચારીઓની ફાળવણી પણ થઈ છે.આ ઘટનામાં અધિકારી કર્મચારીઓની બેદરકારી ના કારણે હેનીલે આંખ ગુમાવી છે.જેથી પોલીસ વિભાગ અને કોર્પોરેશન વિભાગ પણ જવાબદાર બને છે.ગાય માલિક વિરુદ્ધ હજી સુધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ફરજ ચૂક કરવામાં આવી છે.આમ ઘટના દરમિયાન રાજ્ય સરકાર પણ જવાબદાર છે.વળતર પેટે રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીના પિતાએ એડવોકેટ મારફતે નોટિસ પાઠવી છે.
ઢોરોનાે ત્રાસ યથાવત : જુદાજુદા વિસ્તારમાં ઢોર તો હજી રસ્તે રખડવા જોવા મળી રહ્યા છે.

વડોદરા : પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા બનેલા અકસ્માતના બનાવ બાદ સફાળી જાગી હતી જે બાદ પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી શરુ કરી હતી. શરૂઆતમાં ખુબ સુંદર કામગીરી કરી હતી જે બાદ પાલિકા પણ રખડતા ઢોરની જેમ ખાલી રસ્તે રખડતા જોવા મળે છે વડોદરા શહેરમાં જ્યારે રખડતા ઢોરના કારણે કોઈ ગંભીર ઘટના બને તો પાલિકા તરત જ એક્શન મોડમાં આવી ને ઢોર પકડવાની કામગીરી પુરજોશમાં કરી વાહવાહી લુટે છે. ગંભીર ઘટના બન્યા બાદ જે કામગીરી થાય છે તેજ કામગીરી ફક્ત બે કે ત્રણ દિવસ ચાલે છે પછી જેસે થે વેસે હી જેવી સ્થિતિ થાય જાય છે. શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે.

જેને કારણે મેયરની સીધી સૂચનાથી પાલિકા દ્વારા શહેરમાં ઢોર ને કારણે થયેલા અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી. તેવામાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા ફક્ત નવ ઢોરવાડા સીલ કરીને સંતોષ માન્યો હતો. પાલિકાએ ઢોર પાર્ટી ની ટીમે પોલીસને સાથે રાખીને વાધોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા સીલ કર્યા હતા. જેમાં પશુપાલકો જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું જેથી પશુ પાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. પાલિકાની ટીમ પર લાકડી અને પાવડા વડે મહિલા એ હુમલો પણ થયો હતો. છતાં પણ આટલું બધા બનાવ બાદ પણ પાલિકા હજી ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.શહેરના હૃદય સમા ગીચ વિસ્તારમાં તો રાત્રે તો ઠીક છે પણ દિવસે પણ ઢોરોના ઝુંડના ઝુંડ ફરે તે શહેરીજનોને દેખાય છે તો પાલિકા સત્તાધીશોને કેમ આ ઢોર દેખાતા નથી તે એક આજકાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. હવે જોવું રહ્યું કે પાલિકા આવા હૃદય સમા ગીચ વિસ્તારમાં વિસ્તારો માં ક્યારે ઢોર પકડશે તે એક શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top