Charchapatra

2024-વિશ્વનું ચૂંટણી વર્ષ

જ્યાં ચૂંટણી છે તેવા વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા ભારત સહિતના કુલ 10 દેશોમાંથી 7 દેશોમાં 2024નું વર્ષ ચૂંટણી વર્ષ છે, જેમાં પાકિસ્તાન અને બાંગ્લા દેશમાં ચૂંટણી થઈ ગયેલ છે. વિશ્વની સૌથી જુની લોકશાહી અમેરિકા અને સૌથી મોટી લોકશાહી એવા આપણા ભારતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. વર્ષ 2024માં ચૂંટણી થનાર 10 દેશોમાં સૌથી વધુ વસતી ધરાવતો આપણો દેશ છે. જેની કુલ વસતી વિશ્વના 17.8 ટકા છે. જે છ દેશોમાં આ વર્ષે ચૂંટણી થનાર છે તેમાં અમેરિકા (4.2 ટકા વસતી), રશિયા (1.8 ટકા વસતી), પાકિસ્તાન (3.0 ટકા વસતી), ઈન્ડોનેશિયા (3.5 ટકા વસતી) મેક્સિકો (1.6 ટકા) અને બાંગ્લા દેશ (2.1 ટકા વસતી) છે.

આ છ દેશોની કુલ વસતી વિશ્વના 16.2 ટકા થાય છે જે આપણા ભારત દેશની વિશ્વના 17.8 ટકા વસતી કરતાં ઓછી વસતી થાય છે અને તેથી સૌથી મોટી ચૂંટણી હોઈ વિશ્વની નજર આપણા દેશની સંસદીય ચૂંટણી પર રહે તે સ્વાભાવિક છે. આમ વિશ્વની કુલ 49 ટકા જનતા (નાગરિકો) વર્ષ 2024માં નવી સરકાર ચૂંટવાની છે જે લોકશાહીની દૃષ્ટિએ વિશ્વ માટે ઐતિહાસિક રહેવાનું છે. આ સઘળી ચૂંટણીઓની સીધી અસર વિશ્વની જી.ડી.પી. પર જોવા મળી શકે છે. આપણા દેશના કર્મઠ, અણથક અને નિર્ણાયક વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાની ત્રીજી ટર્મ માટે અત્યંત પ્રયત્નશીલ છે, જ્યારે અમેરિકામાં બીજી ટર્મ માટે જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આ વર્ષના નવેમ્બર માસમાં ખરાખરીનો જંગ જામનાર છે.

જ્યાં વર્ષોથી પ્રમુખપદના ઉમેદવાર ગાયબ થઈ જાય છે તેવા દેશ રશિયામાં પણ આ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે, જ્યારે રશિયાને કારણે યુધ્ધનો સામનો કરી રહેલ યુક્રેનની જનતા પણ પોતાના મતાધિકાર પ્રયોગ આ વર્ષે જ કરવાના છે. યુક્રેનના સ્થાનિક ન્યુઝ ચેનલોએ કરાવેલા સર્વેમાં સામે આવેલ છે કે યુક્રેનના નાગરિકોને ઝેલેન્સકી પર પૂરો ભરોસો છે. આંકડા મુજબ યુક્રેનના 70 ટકાથી વધુ નાગરિકો ચૂંટણી યોજવાના પક્ષમાં નથી. તાઈવાનની ચૂંટણી પણ આ વર્ષે છે. યુરોપિયન પાર્લમેન્ટ માટે આ વર્ષની 6 જૂનથી 9 જૂન વચ્ચે ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 27 દેશોના 40 કરોડ વોટર્સ 720 મેમ્બરોને ચૂંટવાના છે. વિશ્વના કુલ 195 દેશોમાંથી નાના એવા 70 દેશોમાં પણ આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. આમ વિશ્વ માટે વર્ષ 2024નું નોંધપાત્ર ચૂંટણી વર્ષ ગણાશે, જેની ઇતિહાસ પણ ભવિષ્ય માટે નોંધ લેશે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top