Entertainment

શું રણદીપ સાવરકર તરીકે ઉહાપોહ મચાવશે?

એતો હકીકત છે કે હવે રાજકીય વિષયો, રાજકીય ચરિત્રો, રાજકીય ઘટનાક્રમો આધારિત ફિલ્મોનું પ્રમાણ વધી ગયું છે પણ તેનાથી જૂદી અને રસપ્રદ હકીકત એ છે કે એવી ફિલ્મો હવે પ્રેક્ષકો જોઈ રહ્યાં છે અને પ્રતિક્રિયા પણ આપે છે. આવા માહોલમાં રણદીપ હુડાએ અભિનેતા-લેખક-નિર્માતા અને દિગ્દર્શક તરીકે ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મ બનાવી છે. રણદીપ હુડા આમ તો અભિનેતા છે. આ વખતે નિર્માતા અને દિગ્દર્શક પણ બન્યો છે તો કહી શકાય કે માત્ર શોખ ખાતર યા મોટી કમાણી ખાતર આ ફિલ્મ નથી બનાવી ચોક્કસ હેતુ સાથે તેણે આ ફિલ્મ બનાવી છે. રણદીપ એક ખૂબ સારો અભિનેતા છે અને પોતાને અમુક જ પ્રકારની ઈમેજમાં બાંધ્યા વિના આજ સુધી કામ કર્યું છે. અલબત્ત તે કોઈ લોકપ્રિય સ્ટાર નથી પણ તેણે પોતાની ખાસ જગ્યા ઊભી કરી છે. વીર સાવરકરના પાત્રમાં તે પ્રભાવક રહેશે એવું ધારી શકો. ‘સરબજીત’ કે ‘હાઈવે’, ‘રંગરસિયા’, ‘સુલતાન’ ફિલ્મોમાં તેણે એક જુદી ઊંચાઈ સિધ્ધ કરી હતી. તે અમુક પ્રકારની ફિલ્મો માટે જ પોતાને અલગ તારવતો નથી એટલે ગેંગસ્ટર ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’ કે ‘સાહેબ બીબી ઔર ગેંગસ્ટર’માં પણ વિષય અને ફિલ્મની શૈલી મુજબ ઢળી ગયો હતો. ‘જન્નત-2’ અને ‘જિસ્મ-2’ કે ‘કીક’માં રણદીપે એક ખાસ જગ્યા ઊભી કરેલી. મીરા નાયરની ‘મોનસુન વેડિંગ’થી શરૂઆત કરનાર રણદીપ રામગોપાલ વર્મા, મિલન લુથરીયા, મહેશ ભટ્ટ, ઈમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, કેતન મહેતા, સાજિદ નડિયાદવાડા, કરન જોહર, ઓમંગ કુમાર સહિતના દિગ્દર્શકો સાથે ફીટ જણાયો છે. આમ છતાં તેણે ડાન્સ કરવો પડતો નથી. તેનો એક ખાસ પાવર છે. રણદીપ હુડા પોતાને ફિલ્મો પૂરતો મર્યાદિત રાખવા ટેવાયેલો નથી તે પોલો અને શો જમ્પિંગ જેવી રમતમાં પણ ભાગ લે છે. તે ‘ઈન ધ સ્ક્રિપ્ટ’ જેવા મેગેઝીનનો એશિયન પ્રતિનિધિ રહી કોલમ લખી ચૂક્યો છે તે કપિલદેવ જેવા ક્રિકેટરના એનજીઓ માટે પણ પોતાનું પ્રદાન આપે છે. તે ભારતની મોસ્ટ એટ્રેક્ટિવ સેલિબ્રિટી ગણાય છે. તે નસીરુદ્દીન શાહને પોતાના મેન્ટર તરીકે ઓળખાવે છે અને કહે છે કે તે મારા અભિનેયની પ્રેરણા છે તેના કારણે મારી કારકિર્દીનું સ્વરૂપ ઘડાયું છે. તેમણે જ શીખવ્યું છે કે અભિનય શું કહેવાય!
હુડા એક સમયે સુસ્મિતા સેન સાથે ગાઢ સંબંધમાં હતો પણ 2006માં એ સંબંધ પૂરા થયા. ઘણા વર્ષે એકલો રહ્યો અને ગયા વર્ષે લીન લાઈસરમ સાથે પરણ્યો છે. લગ્ન પછી તેની સૌથી મહત્ત્વની ફિલ્મ ‘સ્વતંત્રતા વીર સાવરકર’ જ કરી શકાય. રણદીપ કહે છે કે સાવરકરના હિન્દુત્વ વિશેના વિચારને આઝાદી દરમ્યાન જેવું મહત્ત્વ મળવું જોઈએ એટલું મળ્યું નથી. આ ફિલ્મની પટકથા તેણે ઘણા સંશોધન કરીને લખી છે. પોતાના પાત્ર માટે પણ તેણે ખૂબ મહેનત કરી છે. •

Most Popular

To Top