SURAT

સુરતના દર્દીઓના રૂંધાઈ રહેલા શ્વાસને શુક્રવારે પૂરતો 188 ટન ઓક્સિજન મળ્યો

સુરત: સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરના કોરોનાના પેશન્ટના રૂંધાઇ રહેલા શ્વાસ હવે જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળતો થયો છે. સુરત જિલ્લા પ્રશાસનના અધિકારીઓની રાતદિવસની મહેનતથી આજે ઓક્સિજન સપ્લાય અને ડિમાન્ડ લગભગ નજીક પહોંચી જતા ખેંચ હળવી થઇ છે.

સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. દક્ષિણ ગુજરાતમાં ઠેરઠેર કોરોના કાળ બનીને ત્રાટકયો હતો અને સેંકડો લોકોને મોતની ચાદર ઓઢાવી ગયો હતો. કોરોનાએ છેલ્લા એકાદ મહિનાથી તેજ રફતાર પકડી હતી. પરંતુ સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતને માથે ઝંળુંબી રહેલા કોરોનાના કહેરને કાબૂમાં લેવામાં તંત્ર થાપ ગઇ ગયું હતું જેને કારણે ઠેરઠેર કોરોનાએ પગપેસારા સાથે લોકોને બાનમાં લઇ લીધા હતા. કોરોનાની સુનામીમાં સેંકડો લોકો મોતને ભેટી ગયા હતા.

અને સીધા ઓક્સિજન ડિમાન્ડવાળા પેશન્ટની સંખ્યા ઉત્તરોઉતર વધવા માંડી હતી. ઓક્સિજન ડિમાન્ડવાળા પેશન્ટની સંખ્યામાં રાતોરાત ઉછાળો આવતા શહેરમાં વીતેલ એકાદ સપ્તાહથી ઓક્સિજન સપ્લાયની મોટી રામાયણ સજાર્ઇ હતી. શહેરના અનેક પેશન્ટના પ્રાણપંખેરુ ઉડી જાય તેવી કટોકટ હાલત આવી હતી. આ પરિસ્થિતિ વચ્ચે નાયબ કલેકટર જમીન સુધારણા આર.આર.બોરડ અને ફુડ એન્ડ ડ્રગ્સના મદદનીશ કમિશ્નર આર.એમ.પટેલની ટીમે ઓક્સિજન પ્લાન્ટ ઉપર કબજો જમાવી લીધો હતો.

ગયા સપ્તાહથી ઓકિસજન ટેન્કરને એસ્કોટીંગ કરવા પોલીસ ફૌજ ખડકી દીધી હતી. જેના કારણે રોજબરોજ ઓક્સિજનની પડેલી ખાધ હવે ધીરેધીરે પુરાઇ રહી છે. આજે સુરત શહેરમાં 188 ટન ઓક્સિજન સપ્લાય થયો છે. જેમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ સહિત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ્સ સહિત દક્ષિણ ગુજરાતભરમાં ઓક્સિજન સપ્લાય કરી દેવાયો છે. આજે ઓક્સિજનની બૂમ પડી નહોતી. વિતેલા એક અઠવાડિયાથી તંત્ર રાતદિવસ એક કરી ઓક્સિજન પ્રોડકશન અને સપ્લાય ઉપર વોચ રાખી રહ્યા હતા. જેના પ્રતાપે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતભરના કોરોના પેશન્ટને ઓક્સિજન મળવાના આસાર દેખાયા છે.

Most Popular

To Top