Madhya Gujarat

ખેડા જિલ્લામાં 137 તલાટીની ઘટ

નડિયાદ: ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયતોમાં 137 તલાટી કમ મંત્રીની જગ્યાઓ ખાલી છે. જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક તલાટીને ત્રણ ત્રણ ગ્રામ પંચાયતોનો ચાર્જ હોવાના કારણે ગામડાના વિકાસ કામો ખોરંભે પડ્યા છે. પંચાયતી રાજની સંસ્થાઓમાં તલાટી કમ મંત્રીની કામગીરી પાયા રૂપ ગણવામાં આવે છે. તલાટી કમ મંત્રીએ ગ્રામસભા, પંચાયતની સભા, સરકારે બહાર પાડેલા નિયમો, ઠરાવો તેમજ પરિપત્રો વગેરેની જોગવાઈઓનો અમલ થાય તે મુજબ કામગીરી કરવાની હોય છે.

પંચાયતોની મિલકતોની દેખરેખ રાખવી, જન્મ મરણની નોંધણી, નાણાપંચની કામગીરી, ગ્રામ વિકાસ એજન્સી હેઠળની યોજનાઓનું અમલીકરણ, આવાસ યોજના, સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન, જમીન મહેસુલ સહિતના વેરાની વસુલાત લગ્ન નોંધણી ઉપરાંત ગ્રામ વિકાસ યોજનાના કામોની દેખરેખ અને ચકાસણી જેવી જોબ કાર્ડમાં દર્શાવ્યા મુજબની વિવિધ ફરજ બજાવવાની હોય છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓની ભરતી કરવામાં આવી નથી. બીજી બાજુ દર વર્ષે વયનિવૃત્તિ કે આકસ્મિક મૃત્યુ કે રાજીનામાના કારણે તલાટીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. ખેડા જિલ્લામાં 10 તાલુકામાં 373 તલાટીની જગ્યા મંજુર કરવામાં આવી છે.

જેની સામે માત્ર 236 તલાટીની જગ્યા ભરાયેલી છે. આમ આજની સ્થિતિમાં જિલ્લામાં 137 તલાટીઓની જગ્યા ખાલી છે. આમ જિલ્લામાં તલાટીની 42 ટકા જગ્યાઓ ખાલી હોય એક એક તલાટીને બેથી વધુ ગ્રામ પંચાયતની કામગીરી સોંપવામાં આવી છે. જેના કારણે તલાટીઓ અઠવાડિયામાં માંડ એકાદ બે દિવસ જોવા મળતા હોય છે. તેમાં અઠવાડિયામાં એક દિવસ તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીની મીટીંગમાં ફરજિયાત હાજરી આપવાની હોય છે. ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીની નિયમિત હાજરીના અભાવના કારણે ગ્રામજનોને આવકના દાખલા, જનમ મરણની નોંધણી તેમજ દાખલા સહિતના કામો માટે ધરમ ધક્કા ખાવા પડતા હોય છે. આમ પ્રજાને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વિકાસ કામો પર દેખરેખ ચકાસણીના અભાવના કારણે કામોની ગુણવત્તા જળવાતી ન હોવાનો જાગૃત પ્રજામાં ગણગણાટ થઈ રહ્યો છે.

ખેડા જિલ્લા પંચાયતમાં કલાર્કની 159 જગ્યા ખાલી
નડિયાદ ખેડા જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં કુલ 242 ક્લેરીકલના મહેકમ સામે માત્ર 83 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે કામનું ભારણ વધતાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લા પંચાયત હેઠળ 10 તાલુકા પંચાયત કચેરીઓ આવેલી છે. આ કચેરીઓમાં આરોગ્ય, શિક્ષણ, બાંધકામ, ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં 15 નવેમ્બર, 2022ની સ્થિતિ મુજબ જુનિયર ક્લાર્કની કુલ 133 જગ્યાઓનું મહેકમ મંજૂર થયેલ છે. જ્યારે સિનિયર ક્લાર્કનું કુલ મહેકમ 109 મંજુર થયુ છે. જેની સામે જુનિયર ક્લાર્કની 40 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 93 જગ્યાઓ ખાલી છે. આવી જ રીતે સિનિયર ક્લાર્કની 43 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 66 જગ્યાઓ ખાલી છે.

આવી જ રીતે નાયબ હિસાબનીશની કુલ 23 જગ્યાઓ મંજૂર થયેલી છે. જેમાંથી માત્ર 17 જગ્યા ભરાયેલી આવેલી છે. જ્યારે 6 જગ્યાઓ ખાલી છે. આમ ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં ક્લેરીકલની મંજૂર થયેલ 242 જગ્યામાંથી 159 જગ્યાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી પડી છે. જેના કારણે મોટાભાગની જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે. જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની કચેરીઓમાં સંખ્યાબંધ ક્લેરીકલ જગ્યાઓ ખાલી હોવાના કારણે પોતાના કામ માટે આવતા અરજદારોને ધક્કા ખાવા પડતા હોય છે અને જો ઝડપી કામ કરાવવું હોય તો વ્યવહાર કરવો પડતો હોય છે. આમ કર્મચારીઓ દ્વારા કામમાં વિલંબ માટે કામનું ભારણ હોવાના બહાના બતાવી અરજદારોને ધક્કા ખવડાવતા હોવાના પ્રજાને કડવા અનુભવો થઈ રહ્યા છે. કચેરીઓમાં પેન્ડિંગ ફાઈલો, કામોનું ભારણ વધી રહ્યું છે. વિવિધ શાખાઓમાં કર્મચારીઓની ઘટના કારણે‌ ભ્રષ્ટાચાર વધી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કર્મચારીઓ દ્વારા વિવિધ કામોનું ઝડપથી નિરાકરણ માટે અરજદારો પાસે માગણીઓ કરવામાં આવતી હોવાની બુમ ઉઠવા પામી છે.

Most Popular

To Top