Gujarat

1 કરોડ વાહનો ફિટનેસ વગર ચાલે છે : હવે જુના વાહનો સ્ક્રેપ થતાં 10થી 12 ટકા પ્રદૂષણ ઘટશે

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ સમારંભમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ હિન્દુસ્તાનની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસનો ખૂબ જ મહત્વનો દિવસ છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતી, સરકારને સૌથી વધુ ટેક્સ આપતી અને નિકાસને સૌથી વધુ પ્રોત્સાહન આપતી જો કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો તે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રીનો હજુ વધુ વિકાસ થાય અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં નવી નીતિઓના સહારે અમે જે આ દેશને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ અને સંપન્ન બનાવવા માંગીએ છે. તેમાં નિશ્ચિતરૂપથી આ ક્ષેત્રની મહત્વની ભૂમિકા અને પ્રદાન છે. તે માટે જ અમે ૨૦૧૮થી અભ્યાસ શરૂ કરી આ પૉલિસી તૈયાર કરી છે.

ગડકરીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં જે પેરિસ સમિટ યોજાઇ હતી જેમાં અમે પ્રદૂષણ નિયંત્રણના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ઇકોલોજી અને એન્વાયરમેન્ટ માટે અમે અનેકવિધ પગલાં લઈને ચોક્કસ નીતિઓ ઘડી છે. જેમાં વાહનના બીએસ-૪ એન્જિન ઉત્પાદન પર રોક લગાવી બીએસ-૬ એન્જિન ટેકનોલોજીને કાર્યરત કરાવી છે. જે માટે પેટ્રોલિયમ કંપનીઓએ પણ ઘણો સહયોગ આપ્યો છે. પ્રદૂષણની સાથે સાથે વાહનોની ફિટનેસ અને રોડ સેફ્ટી પર અમે વિશેષ ભાર મૂક્યો છે. ઈકોનોમી મોડેલમાં પણ અમે રોડ સેફટી માટે એર બેગ ફરજિયાત કરી છે.

તેમણે જણાવ્યું હતું કે સૌથી મોટી સમસ્યા અમારી એ હતી કે ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથો સાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકસાનકારક છે અને આ જ બાબત સ્ક્રેપેજ પૉલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું. જૂના વાહનો સ્ક્રેપ થતાં ૧૦ થી ૧૨ ટકા પ્રદૂષણ ઘટશે. ઓટોમોબાઇલ ક્ષેત્ર સાડા સાત લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને આશરે ૩.૭ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર રોજગારી પૂરું પાડી રહ્યું છે.

આ પૉલિસીથી ઉત્પાદન ખર્ચ ઘટશે, રોજગારી વધશે ને વાહનો સસ્તા થશે
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે આ પૉલિસીનો પ્રાથમિક માપદંડ વાહનના ફિટનેસ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે માટે જ અમે દેશભરમાં જિલ્લા કક્ષાએ પીપીપી મોડેલથી વાહન ફિટનેસ સેન્ટરના નિર્માણ માટે રાજકોટને વિશેષ પ્રોત્સાહન પણ પૂરું પાડીશું. આ પૉલિસીથી ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે, જેના લીધે વિશેષ બચત થશે. ઉત્પાદન ક્ષેત્રમાં મેટલમાં એલ્યુમિનિયમ સ્ટીલ કોપર પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ નીકળશે તેનાથી વાહન ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને રોજગારી પણ વધશે.

જે નવા વાહનોનું ઉત્પાદન થશે તે રોડ સેફ્ટી નિયમોને લીધે નાગરિકોને સુરક્ષા પૂરી પાડશે અને કાચા માલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે વાહનો સસ્તા મળશે. કિંમતમાં ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સંશોધન ક્ષેત્રે નવી સ્પર્ધાઓ થશે પરિણામે નિકાસ વધશે, સરકારને ફાયદો થશે અને રોજગારી પણ વધશે. ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં ૩૦થી ૪૦ હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ સ્ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલિકોએ વ્હિકલ સ્ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિ-સાયક્લિંગ હબ બનશે. પાંચ વર્ષમાં ભારતને રિ-સાયક્લિંગ ક્ષેત્રે હબ બનાવવાનું લક્ષ્યાંક છે

Most Popular

To Top