Vadodara

સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો

વડોદરા, તા.21:
વડોદરા શહેરમાં મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન ગોઠવાયેલા વીવીઆઇપી બંદોબસ્ત વચ્ચે કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. ટ્રાફિક નિયંત્રણ દરમિયાન પોલીસકર્મી સાથે ગેરવર્તન અને હુમલો કરવામાં આવતા મહિલા સહિત ત્રણ લોકો સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ અજીતસિંહ લક્ષ્મણસિંહ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસને પગલે દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને કોન્વોય પસાર થાય ત્યાં સુધી રોકી વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી.
ગઈકાલે રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમ તરફથી બંદોબસ્ત પૂર્ણ થવાનો સંદેશ મળ્યા બાદ પણ પોલીસ નિયમ મુજબ ટ્રાફિક સંભાળી રહી હતી. તે દરમિયાન હોન્ડા પેશન બાઈક પર સવાર એક વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે અટકાવતા જ બાઈક સવાર ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેની સાથે રહેલા અન્ય યુવાન તેમજ ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે મળીને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ અન્ય પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. એક આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ખસેડાયો હતો. આ દરમિયાન એક મહિલાએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિક બિપિન પટેલ, પ્રેમલ કૌશિક પટેલ અને ફાલ્ગુની કૌશિક પટેલ (રહે. ગણેશપુરા, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. સમા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top