India

ભારત બનશે દુનિયાનું આગામી સેમિકન્ડક્ટર હબ

કેન્દ્ર સરકારની ‘સેમિકોન 2.0’ યોજના હેઠળ ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની તૈયારી

CMOS ફેબ, મેમરી ફેબ અને ડિસ્પ્લે ફેબ સ્થાપવાની મહત્ત્વાકાંક્ષી યોજના; ₹1.27 લાખ કરોડના રોકાણથી ભારતને ચિપ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો રોડમેપ તૈયાર

ભારત હવે માત્ર મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલીનું કેન્દ્ર નહીં, પરંતુ વિશ્વના અગ્રણી સેમિકન્ડક્ટર (ચિપ) ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે ‘સેમિકોન 2.0’ (India Semiconductor Mission 2.0) હેઠળ દેશના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતને ચિપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની મજબૂત હાજરી નોંધાવવાનો છે. કેન્દ્ર સરકારે આ યોજના માટે ₹1.27 લાખ કરોડથી વધુનું વિશાળ બજેટ મંજૂર કર્યું છે. આ અંતર્ગત દેશમાં Silicon CMOS Fab, Memory Fab, Display Fab, સેમિકન્ડક્ટર સાધનો, વિશિષ્ટ મટિરિયલ્સ, ડિઝાઇન ઇકોસિસ્ટમ, આરએન્ડડી સેન્ટર્સ અને કુશળ માનવબળના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

શું છે ‘સેમિકોન 2.0’ યોજના?
‘સેમિકોન 2.0’ ભારત સરકારની India Semiconductor Mission (ISM)નું બીજું તબક્કું છે. પ્રથમ તબક્કામાં દેશમાં અનેક ચિપ પેકેજિંગ અને ડિસ્પ્લે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. હવે બીજા તબક્કામાં માત્ર ચિપ એસેમ્બલી નહીં પરંતુ મૂળ ચિપ ઉત્પાદન (Fabrication) સુધીની સંપૂર્ણ વ્યવસ્થા દેશમાં ઉભી કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

CMOS Fab શું છે અને તેનું મહત્વ શું?
સેમિકોન 2.0નો સૌથી મહત્વપૂર્ણ ભાગ Silicon CMOS Semiconductor Fab છે.CMOS (Complementary Metal-Oxide Semiconductor) ટેક્નોલોજી દ્વારા વિશ્વમાં મોટાભાગની પ્રોસેસર ચિપ્સ, મોબાઇલ ચિપ્સ, AI ચિપ્સ, કમ્પ્યુટર પ્રોસેસર અને ઓટોમોટિવ ચિપ્સનું ઉત્પાદન થાય છે. જો ભારતમાં CMOS Fab સ્થાપિત થશે તો દેશમાં જ અત્યાધુનિક ચિપ્સનું ઉત્પાદન શરૂ થઈ શકશે અને વિદેશી આયાત પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટશે.

Memory Fab અને Display Fab પણ થશે સ્થાપિત
સરકારે માત્ર લોજિક ચિપ્સ પૂરતી યોજના મર્યાદિત રાખી નથી.યોજનામાં Memory Fab સ્થાપવાની પણ યોજના છે, જ્યાં RAM, NAND Flash જેવી મેમરી ચિપ્સનું ઉત્પાદન થશે.તે ઉપરાંત Display Fab દ્વારા મોબાઇલ ફોન, લેપટોપ, ટીવી, ટેબ્લેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ માટે જરૂરી ડિસ્પ્લે પેનલનું સ્થાનિક ઉત્પાદન શક્ય બનશે. હાલમાં આવા મોટા ભાગના ઉત્પાદનો માટે ભારતને આયાત પર નિર્ભર રહેવું પડે છે.

ભારતને શું મળશે લાભ?
સેમિકન્ડક્ટર ઉદ્યોગ કોઈપણ આધુનિક અર્થતંત્રની રીડની હાડકી માનવામાં આવે છે.
આજે કાર, સ્માર્ટફોન, લેપટોપ, AI સર્વર, 5G નેટવર્ક, ડિફેન્સ સિસ્ટમ, મેડિકલ ઉપકરણો અને સેટેલાઇટ્સ સહિત લગભગ દરેક આધુનિક ટેક્નોલોજી સેમિકન્ડક્ટર ચિપ્સ પર આધારિત છે.
ભારતમાં ઉત્પાદન શરૂ થતાં:
લાખો રોજગારીની તકો ઊભી થશે.
વિદેશી રોકાણમાં વધારો થશે.

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો ખર્ચ ઘટશે.
ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ ભાગ બનશે.
આયાત પરની નિર્ભરતા ઘટશે.
આત્મનિર્ભર ભારત અભિયાનને મોટું બળ મળશે.
સ્ટાર્ટઅપ્સને પણ મળશે પ્રોત્સાહન

સેમિકોન 2.0માં માત્ર મોટી કંપનીઓ જ નહીં પરંતુ ભારતીય ફેબલેસ ચિપ ડિઝાઇન સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.સરકાર નવી ડિઝાઇન કંપનીઓને નાણાકીય સહાય, ટેક્નિકલ સપોર્ટ, રિસર્ચ સુવિધા અને વૈશ્વિક કંપનીઓ સાથે ભાગીદારીની તક આપશે.આ પગલાથી ભારત માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ નવી ચિપ ટેક્નોલોજી વિકસાવતું દેશ પણ બની શકે છે.

R&D અને સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ભાર
સરકારે રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) માટે વિશેષ ફંડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.દેશભરની યુનિવર્સિટીઓ, IIT, IISc અને અન્ય ટેક્નિકલ સંસ્થાઓમાં સેમિકન્ડક્ટર સંબંધિત અભ્યાસ અને સંશોધનને પ્રોત્સાહન મળશે. ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ અને ટેસ્ટિંગ માટે હજારો નવા ઇજનેરોને તાલીમ આપવામાં આવશે જેથી દેશને વૈશ્વિક સ્તરના નિષ્ણાતો મળી શકે.

ગુજરાતને પણ મળશે મોટો લાભ
ભારતમાં ચાલી રહેલા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાત મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.ધોલેરામાં નવી સેમિકન્ડક્ટર ફેબ તથા સુરતમાં OSAT (Assembly, Testing and Packaging) જેવી સુવિધાઓના વિકાસથી ગુજરાત દેશના ચિપ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ સેમિકોન 2.0ને વધુ મજબૂત આધાર આપશે.

વૈશ્વિક સ્પર્ધામાં ભારતનું મોટું પગલું
વિશ્વમાં હાલમાં તાઇવાન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીન સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આગળ છે.કોવિડ બાદ વૈશ્વિક ચિપ સંકટે દુનિયાને સમજાવ્યું કે થોડા દેશો પર નિર્ભર રહેવું જોખમી છે.આ સ્થિતિમાં ભારત વિશ્વસનીય અને વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરવા માટે ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. સેમિકોન 2.0નો મુખ્ય હેતુ ભારતને આગામી દાયકામાં વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાનો છે.

પ્રધાનમંત્રી મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને મળશે ગતિ
કેન્દ્ર સરકારનું માનવું છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માત્ર અર્થવ્યવસ્થા માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અત્યંત જરૂરી છે.ડિફેન્સ, સ્પેસ, ટેલિકોમ, AI, ઓટોમોબાઇલ અને ડિજિટલ ઇન્ડિયાના તમામ મોટા પ્રોજેક્ટ્સ માટે સ્વદેશી ચિપ ઉત્પાદન અનિવાર્ય બની રહ્યું છે.સેમિકોન 2.0 દ્વારા ભારત હવે માત્ર ચિપ્સનો ગ્રાહક નહીં પરંતુ ઉત્પાદક અને નિકાસકાર દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.જો આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવશે તો આગામી કેટલાક વર્ષોમાં ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સ્થાન મેળવી શકે છે અને વિશ્વની મોટી ટેક્નોલોજી કંપનીઓ માટે વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી શકે છે.

Most Popular

To Top