Columns

ભગવાનની બે શક્તિ

એક દિવસ વૈકુંઠમાં ભગવાન નારાયણ પાસે નારદજી ગયા અને નારાયણ નારાયણ બોલીને પ્રણામ કર્યા.નારદજી બોલ્યા, ‘પ્રભુ, તમે સર્વશક્તિમાન છો.દરેક જણ તમારી પાસે બધું મેળવવા આવે છે અને તમે તેની પાત્રતા અનુસાર તે જે વસ્તુને મેળવવા લાયક હોય તે તેને આપો છો.’ ભગવાન નારાયણ હસ્યા અને બોલ્યા, ‘નારદજી, હું કંઈ જ નક્કી નથી કરતો. હું તો મારી પાસે જે બે મહત્ત્વની શક્તિઓ છે તેમાંથી ભક્ત જે માંગે તે તેને આપી દઉં છું.’નારદજી બોલ્યા, ‘એટલે પ્રભુ કંઈ સમજાયું નહિ.’

ભગવાન બોલ્યા, ‘નારદજી, મારી પાસે મારી બે શક્તિઓ છે. ‘માયા’અને બીજી ભકિત. ‘મારી પાસે જે ભકતો આવે છે.પ્રાર્થના કરે છે.તેમને હું પૂછું છું, બોલો શું જોઈએ છે? આ બે શક્તિમાંથી ‘માયા’કે ‘ભક્તિ’…અને જે ભક્ત જે માંગે તે આપી દઉં છું. નારદજી બોલ્યા, ‘પ્રભુ, પણ નાદાન ભક્ત શું જાણે ‘માયા’અને ‘ભક્તિ’નો ફરક ….આજે મને સમજાવો. હું સમગ્ર સંસારમાં ભ્રમણ કરી બધાને સમજાવીશ.’

ભગવાન બોલ્યા, ‘દેવર્ષિ, તમે જાણો જ છો, મારી પહેલી શક્તિ ‘માયા’જેનાથી આ સમગ્ર સૃષ્ટિ મોહિત છે અને બીજી શક્તિ છે ‘ભક્તિ’જેના પર મોહિત થનાર પર હું મોહિત થાઉં છું. જે ભક્ત દુન્યવી ભૌતિક વસ્તુઓ માંગે છે તેમને માયાના બંધન મળે છે અને માયા મેળવી માયામાં ખોવાઈ જઈને તેઓ મારાથી દૂર થાય છે અને જે ભક્તો ભક્તિ માંગે છે તેમના હ્રદયમાં હું સૂક્ષ્મ રૂપે ગોઠવાઈ જાઉં છું અને તેમની સાથે જ રહું છું.જે મનુષ્યો પોતે દુન્યવી સુખો મેળવી આનંદમાં નાચવા ઈચ્છે તે માયા માંગીને સુખમાં નાચી શકે છે.અને જે મને નચાવા માંગે છે તેઓ ભક્તિ લઇ જાય.માયા એવી શક્તિ છે, જે જીવને પોતાના વશમાં રાખે છે જે મોહમાં એવો બંધાય છે કે બધું જ ભૂલી જાય છે. મોહમાયાના બંધનમાં બંધાઈ જાય છે અને જલ્દી છૂટી પણ શકતો નથી. ‘ભક્તિ’એવી શક્તિ છે, જે જીવને છોડાવે છે અને મને બાંધે છે.જે ભક્ત ભક્તિ માંગે છે અને ભક્તિ મેળવીને પોતાની સાચી ભક્તિ દ્વારા મને બાંધી લે છે અને અનન્ય ભક્તિના સાથથી જ્ન્મમરણના ફેરામાંથી છૂટી શકે છે.હું સમગ્ર સૃષ્ટિને માયાના મોહમાં નચાવું છું અને ભક્તિના રાજમાં હું પોતે ભક્તની સંગાથે નાચું છું.આ હકીકત છે મને મેળવવાની અને મને પામવાની.નારદજી, તમે મનુષ્યલોકમાં જણાવશો કે માયા માંગશો તો બધું પામશો, પણ ઈશ્વર નહિ અને ભક્તિ માંગશો તો ઈશ્વર આપોઆપ મળી જશે.પણ બહુ ઓછા ભક્તો ભક્તિ માંગશે.જેમને હું મળીશ.બાકી બધા માયાના બંધનમાં બંધાઈને કઠપૂતળી બની નાચતા રહેશે.’ભગવાને પોતાને મેળવવાનો માર્ગ પોતે સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top