
અત્યારની યંગ જનરેશનને ઘણીવાર પાર્ટીઝથી અલગ પ્રભુ ભક્તિનો માર્ગ શાંતિ આપે છે. હમણાં હમણાં જે બદલાયેલું ચિત્ર જોવા મળે છે તેમાં ભજન કલબિંગ કે જેમાં હરે ક્રિષ્ણા હરે રામાની ધૂન ચાલતી હોય છે, જેમાં અલગ અલગ ભજન ગવાતા હોય છે તેના તાલ પર Gen-Z ઝૂમતા દેખાય છે. છેલ્લાં કેટલાંક સમયથી યંગ જનરેશન ઇસ્કોન મંદિરમાં કીર્તન કરતી જોવા મળે છે. આ જ યુવા પેઢી રથયાત્રામાં પણ પોતાની સેવા આપવા લાગી છે. રથનો શણગાર કરવાથી લઈને પ્રસાદ બનાવવા અને વિતરણ કરવા સુધીના સેવાના માર્ગથી તેઓ ભગવાનને ભજવા લાગ્યાં છે. રથયાત્રામાં સેંકડો મહિલાઓ પણ ભગવાનની અનોખી રીતે ભક્તિ કરતી જોવા મળે છે. ફૂલો અને જવેલરીના શણગારમાં જોડાઈને સુરતી યુવતીઓ અને મહિલાઓ પણ ભગવાનની ભક્તિમાં લીન થઈ રહી છે. આમાના ઘણાં યંગસ્ટર્સ એવા છે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે અને ઉચ્ચ હોદાઓ પર છે. ચાલો રથયાત્રા અને ઇસ્કોન મંદિરમાં યુવાઓ કઈ રીતે ભગવાનની સેવા કરી રહ્યાં છે તેને આપણે આગામી 16 જુલાઇના રોજ નિકળનારી રથયાત્રાને લઈને જાણીએ…
રથયાત્રામાં 3000 ભક્તોની સેવા હોય
પ્રસાદ સેવા રથયાત્રાના દસ દિવસ પહેલાં શરૂ થાય. ડ્રાય પ્રસાદ જેમકે બુંદી પછી લીલો પ્રસાદ જેમકે, શાકભાજી, મીઠાઈ રથયાત્રાના દિવસે સવારે બનાવવા 300 યુવા જોડાતા હોય. પીરસવા સ્વચ્છતા માટે 150થી 200 ભક્તો મળીને રથયાત્રામાં લગભગ 3000 ભક્તો સેવા આપે. આ ભક્તો સુરતના અલગ અલગ વિસ્તારથી સેવા માટે આવતા હોય છે.
યંગસ્ટર્સ ભગવાનના શૃંગાર, બુંદી પેકેટ્સ બનાવવા સહિતની સેવામાં જોડાય

ઈસ્કોન મંદિરમાં રથયાત્રા દરમિયાન યંગસ્ટર્સ અનેક પ્રકારની સેવામાં જોડાય છે. ભગવાનના શૃંગાર, મંદિરના ડેકોરેશન, રથના ડેકોરેશન, નાના નાના વિગ્રહના અભિષેક, મેનેજમેન્ટમાં સેવા આપે. લોકો પાસે ડોનેશન લેવા જવું સવારે ડોનર્સના ભોજન પ્રસાદની સેવા, 35-40 હજાર માણસોની ખીચડી કઢીના પ્રસાદની સેવા, રથયાત્રા દરમિયાન બુંદીના પેકેટ્સ ભક્તો ને પ્રસાદમાં આપવામાં આવે છે તે પ્રસાદ બનાવવાથી લઈ તેના પેકેટ્સ તૈયાર કરવા ઉપરાંત તેનું વિતરણ કરવું વિ. સેવા કરતા હોય છે. તેઓ સ્વેચ્છાએ ઉજાગરા કરીને, રજા પાડીને સેવામાં જોડાય છે. આ ઉપરાંત ભગવાનના મંદિરને પુષ્પોથી સજાવવા, રથને ફૂલોથી સજાવવા અને સૌથી મોટી સેવા એટલે રથ ખેંચવો અને રથયાત્રામાં સુંદર કીર્તન કરવું.
યુવતીઓ મીઠાઈ, જ્વેલરી અને ભગવાનના વાઘા બનાવવાની સેવા કરે

ઇસ્કોનની જ વાત કરીએ તો ઈસ્કોન મંદિરના બ્રહ્મતીર્થ દાસજી તરફથી જણાવવામાં આવ્યું કે, બંને યુવકો અને યુવતીઓની સેવા અલગ અલગ પ્રકારની હોય છે. યુવતીઓ ભગવાન જગન્નાથના છપ્પન ભોગની, મંદિરના અંદરના જે ભોગની સેવા હોય તેની સબ્જી સમારવાની, મીઠાઈ બનાવવાની, ભગવાનની નાની જ્વેલરી બનાવવાની, ભગવાનના વાઘા બનાવવાની સેવા કરે છે અને શીખે પણ છે.
200થી 250 મહિલાઓ ફુલોના હાર, મુગટ બનાવે

રથયાત્રાના આગલા દિવસે 200થી 250 મહિલાઓ ફુલોના હાર, મુગટ, બાજુબંધ, કડા બનાવે. મોટાભાગે તો સુરતથી જ ફૂલ મેળવાય છે પણ મુંબઈ, બેંગ્લોર,વડોદરાથી પણ આઇસ બોક્સમાં મંગાવવામાં આવે. ભગવાનના વિશેષ મૂડ પ્રમાણે જવેલરી ડિઝાઇન કરવામાં આવતી હોય છે. જવેલરી બનાવવા માટેના મોતી મુંબઈથી તો કેટલીક બીજી વસ્તુઓ દિલ્હીથી મંગાવવામાં આવે છે.