Vadodara

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મુકાશે

વિદ્યાર્થીને મદદ કરતા કર્મચારીઓ બ્લેકલિસ્ટ થશે, ધોરણ 10 અને 12 માટે 67,805 પરીક્ષાર્થી નોંધાયા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 9
આગામી તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવાની છે. પરીક્ષાઓ દરમિયાન કાપલી, છેતરપિંડી અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ અને શિક્ષણ તંત્ર દ્વારા કડક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત તમામ પરીક્ષા કેન્દ્રોની બહાર “પશ્ચાતાપ પેટી” મૂકવામાં આવશે.
વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશ કરતા પહેલા તેમની પાસે રહેલી કોઈપણ ચિઠ્ઠી અથવા કાપલી આ પેટીમાં નાખી શકશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કાપલી કરતા ઝડપાશે તો તેની ઉત્તરવહી પર લાલ શાહીથી નિશાની કરવામાં આવશે અને તેને બે વર્ષ માટે બોર્ડની પરીક્ષામાં બેસવા પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.
વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 47,312 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ધોરણ 12 (સાયન્સ અને કોમર્સ) માટે 20,493 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ધોરણ 10 માટે 45 પરીક્ષા કેન્દ્રો અને ધોરણ 12 માટે 21 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ યોજાશે.
બોર્ડ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ સુપરવાઇઝર, શિક્ષક અથવા કર્મચારી વિદ્યાર્થીઓને છેતરપિંડીમાં મદદ કરતા ઝડપાશે તો તેમનું માનદવેતન રોકી દેવામાં આવશે, સર્વિસ બુકમાં કાયમી લાલ એન્ટ્રી કરવામાં આવશે તેમજ આવા કર્મચારીઓને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે. શિક્ષણ તંત્રે પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી છે

Most Popular

To Top