Madhya Gujarat

બોરસદના ગોરેલમાંથી બે હજાર ચાઇનીઝ દોરીના ફિરકાં પકડાયાં

આણંદ તા.1
બોરસદના ગોરેલ ગામના લક્ષ્મણપુરા પોલ્ટ્રી ફાર્મ પાસે આવેલા જહાંગીર કુરેશીના મકાનની બાજુમાં આવેલા તબેલાની બાજુમાંથી બે હજાર ઉપરાંત ચાઇનીઝ દોરીના ફિરકા પકડી પાડ્યાં હતાં. આ કેસમાં પોલીસે પેટલાદના શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે સમગ્ર નેટવર્કનો છેડો વાપી સુધી પહોંચ્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદ પોલીસને બાતમી મળી હતી કે, પેટલાદના ખડાણા ગામમાં રહેતો અલ્તાફ દિવાન ઉત્તરાયણનો તહેવાર આવતો હોવાથી ચાઇનીઝ સિન્થટીક પદાર્થથી કોટેડ કરેલી દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરીનો જથ્થો બહારથી લાવીને મંગાવી ગોરેલ ગામની સીમમાં લક્ષ્મણપુરા પોલ્ટ્રી ફાર્મ પાસે આવેલા જહાંગીર કુરેશીના મકાનની બાજુના તબેલાની પાસે પુળીયાના ગંઠા પાસે ઉતારી છે. આ જગ્યાએ અલ્તાફ દિવાન ચાઇનીઝ દોરી સગેવગે કરવા માટે બેઠો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 31મીની બપોરે દરોડો પાડ્યો હતો. આ દરોડા સ્થળ પર હાજર શખ્સ ભાગવા જતો હતો. પરંતુ તેને પકડી પુછપરછ કરતાં તે અલ્તાફ અનવર દિવાન (રહે. ખડાણા, પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. આ સ્થળ પર પોલીસે તપાસ કરતાં પુઠાના બોક્સ 16 તથા મીણીયાની થેલીમાં બોક્સ પેક કરેલા 40 મળી આવ્યાં હતાં. જેમાં તપાસ કરતાં કુલ 2080 ચાઇનીઝ દોરીની ફિરકી કિંમત રૂ.3.52 લાખ મળી આવી હતી. આ અંગે અલ્તાફની આગવીઢબે પુછપરછ કરતાં તેણે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો વેચાણ કરવા માટે વાપી રહેતા શખ્સ પાસેથી મંગાવ્યો હતો. આથી, પોલીસે વાપીના શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે. હાલ આ અંગે પોલીસે અલ્તાફ અનવર દિવાન સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top