યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર મોટો ભડકો થયો છે. યુક્રેન દ્વારા રશિયા પર 900થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યા બાદ રશિયાએ યુક્રેન પર મોટો મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ રાતભર યુક્રેનના અનેક વિસ્તારોમાં મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા. આ હુમલામાં 22થી વધુ નાગરિકોના મોત થયા છે, જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. 60થી વધુ લોકો ઘાયલ થયા છે અને કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. રશિયન હુમલામાં યુક્રેનના ઉત્તરીય પ્રાંત ચેરનિહીવના પ્રીલુકી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. મિસાઇલ હુમલાને કારણે સમગ્ર ઇમારતને ભારે નુકસાન થયું હતું અને તે લગભગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. આ હુમલામાં સૌથી વધુ નાગરિકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરો અને કુલ 12 જેટલા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. રાતભર થયેલા હુમલાને કારણે રહેણાંક વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે. અનેક સ્થળોએ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને દેશો એકબીજાના સૈન્ય અને અન્ય મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે લાંબા અંતરની મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંને તરફથી હવાઈ હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન મિસાઇલ હુમલાને ગંભીર પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનને હાલમાં વધુ એર ડિફેન્સ સિસ્ટમની તાત્કાલિક જરૂર છે. રશિયાના સતત મિસાઇલ હુમલાને રોકવા માટે યુક્રેન અન્ય દેશો પાસેથી એર ડિફેન્સ પેકેજ અને જરૂરી સૈન્ય સહાયની માગ કરી રહ્યું છે. યુક્રેન પાસે લાંબા અંતરની મિસાઇલ ક્ષમતાની અછત હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રશિયા પાસે મોટા પ્રમાણમાં મિસાઇલો અને ડ્રોન હોવાથી યુક્રેન માટે હવાઈ હુમલાનો સામનો કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ જ કારણસર ઝેલેન્સ્કી સતત અન્ય દેશો પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે.
7 ઓક્ટોબરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનનો જન્મદિવસ હતો. પુતિનના જન્મદિવસની આસપાસ યુક્રેન પર મોટો હુમલો થઈ શકે તેવી આશંકા પહેલાથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે થયેલા આ મોટા મિસાઇલ હુમલાને પુતિનના જન્મદિવસ સાથે જોડીને પણ ચર્ચા થઈ રહી છે. જોકે, હુમલો ખાસ જન્મદિવસના કારણે કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
રશિયાના હુમલા બાદ યુક્રેને પણ વળતો પ્રહાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનની સેનાએ રશિયાના અસ્ત્રખન, સમારા અને પર્મ વિસ્તારમાં આવેલા ઓઇલ સંબંધિત ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત રશિયાના સોચી શહેર નજીક બ્લેક સીમાં એક રશિયન ઓઇલ ટેન્કર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઝેલેન્સ્કીએ આ હુમલાના પુરાવા તરીકે સળગતા ટેન્કરની તસવીરો પણ જાહેર કરી હતી. જોકે, યુક્રેનના આ દાવા અંગે રશિયા તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી.
આ હુમલામાં નિશાન બનાવવામાં આવેલું ટેન્કર લાઇબેરિયાથી રશિયા તરફ જઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં આશરે 23 ભારતીય ક્રૂ સભ્યો સવાર હોવાની માહિતી પણ સામે આવી છે. હુમલા બાદ તમામ ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.Jરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે બંને દેશો એકબીજાના ઊર્જા ક્ષેત્ર, ઓઇલ સુવિધાઓ અને અન્ય મહત્વના ઠેકાણાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. એક તરફ રશિયા યુક્રેનના શહેરો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન પણ રશિયાના ઓઇલ અને સૈન્ય સંબંધિત ઠેકાણાઓ પર વળતા હુમલા કરી રહ્યું છે.હાલમાં યુક્રેન માટે સૌથી મોટો પડકાર રશિયાના સતત મિસાઇલ અને ડ્રોન હુમલાથી પોતાના શહેરો અને નાગરિકોને બચાવવાનો છે. મોટા મિસાઇલ હુમલા બાદ યુક્રેન ફરી એકવાર વધુ એર ડિફેન્સ સિસ્ટમની માગ કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેનના વળતા હુમલાથી યુદ્ધ વધુ ઉગ્ર બનવાની આશંકા પણ વધી છે.