નળમાં આવે છે ગંદુ પાણી, રસ્તાઓ પર ઉભરાતી ડ્રેનેજ: પાલિકા તંત્રના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓ વચ્ચે ભયંકર રોગચાળાની દહેશત




વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદું જ ચિત્ર બયાન કરે છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં જ વડોદરાના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં વહીવટી તંત્રની ગંભીર નિષ્ફળતા સામે આવી છે. આ વિસ્તારમાં આવેલા ગરસિયા મહોલ્લા સહિતના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
ચોમાસાનો સામાન્ય વરસાદ પણ હજુ શરૂ નથી થયો ત્યાં જ આ વિસ્તારમાં ગટર લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી લોકોના ઘરના ઓટલા સુધી પહોંચી ગયું છે. આ મામલે ભારે રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, દર પંદર દિવસે કે મહિને આ જ પ્રકારની ગંભીર સમસ્યા ઊભી થાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગટરની આ લાઈનો લીક થવાના કારણે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકોના ઘરોમાં અત્યંત ડોળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. પીવાનું શુદ્ધ પાણી મેળવવું તો દૂરની વાત રહી, પરંતુ રોજિંદા વપરાશ માટે પણ પાણી ક્યાંથી લાવવું તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં મચ્છરો અને અસહ્ય દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે, જેનાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
આ ગંભીર જનસમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા વડોદરા કોર્પોરેશનની કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓ પણ અવારનવાર અહીં મુલાકાત લઈ ચૂક્યા છે. તંત્રના અધિકારીઓ માત્ર સ્થળ પર આવીને માપણી કરી જાય છે, પરંતુ તેના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. પાલિકાના વહીવટી તંત્ર દ્વારા એવું બહાનું કાઢવામાં આવે છે કે આ વિસ્તારમાં ગટરની લાઈનો નાની છે. આ બાબતે લોકોની સ્પષ્ટ માગ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ નાની ગટર લાઈનો બદલીને નવી અને મોટી ડ્રેનેજ લાઈનો નાખી આપે જેથી આ કાયમી સમસ્યાનો અંત આવી શકે.
વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો અને મંદિરોની આસપાસ પણ ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને પવિત્રતા જોખમાઈ રહી છે. સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના મોટા દાવાઓ કરતા સત્તાધીશો જો સામાન્ય દિવસોમાં જ નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થતા હોય, તો આગામી ચોમાસાના ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારના લોકોની સ્થિતિ કેટલી બદતર થશે તે વિચારીને જ સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આ બાબતે સત્વરે કોઈ કાયમી અને સચોટ નિકાલ લાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.