Vadodara

નડિયાદની ટ્રાફિક સમસ્યાને સામે પોલીસે ત્રીજું નેત્ર ખોલ્યું

નડિયાદ તા.7
નડિયાદમાં દિવસ-રાત ધમધમતો એવા વાણીયાવાડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાયા છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા અને આ વિસ્તારમાં યોગ્ય રીતે ટ્રાફિક જળવાઈ રહે તે હેતુસર આ ટ્રાફિક સિગ્નલો દિવાળી પહેલા મુકાયા હતા. પરંતુ લાંબા દિવસો સુધી ચાલુ ન કરાતાં ટ્રાફિક સમસ્યા વકરી હતી. આખરે રવિવારે તેનું લોકાર્પણ કરાયું હતું. પ્રાથમિક તબક્કે હાલ ટ્રાફિક સિગ્નલો ચાલુ કરી દેવામાં આવ્યા છે અને ચાલુ દિવસોમાં રોડ પરનો ટ્રાફિક જોયા બાદ સિગ્નલમાં મીનીટ-સેકન્ડો ગોઠવાશે.
નડિયાદમાં અતિ મહત્વના વિસ્તાર ગણાતા વાણીયાવાડ ક્રોસિંગ પાસે નાખવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો લાંબા દિવસો બાદ કાર્યરત કરાયા છે. ટેસ્ટીગ કરાયા બાદ તંત્ર જાણે આ કામને ભૂલી ગયું હોય તેવો ચિતાર જોવા મળ્યો હતો. જોકે, થોડી કામગીરી બાકી હોય તેમજ સિગ્નલના જે મીટરો છે અને રોડ પરના પટ્ટા સહીતની કામગીરી બાકી છે જે આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. હજી આ સિગ્નલનો દિવસનો સમય પણ નક્કી કરાશે.
આ સિગ્નલ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ લોકાર્પણ કરી ચાલુ કરી દીધા છે. અહીંયા સાઈડમાં ફૂટપાથો નાની કરવાનું કામ, વચ્ચેના ભાગમાં ડામર રિસરફેસ કરી કેટ આઇ અને થર્મોપ્લાસ્ટના પટ્ટાનું કામ કરવામાં આવ્યું હતું. આ સિગ્નલનુ સંચાલન નગરપાલિકા કરશે.
જ્યારે ટ્રાફિક નિયમનનુ કામકાજ ટ્રાફિક વિભાગ કરશે. આ ઉપરાંત જો કોઈ વાહનચાલક સિગ્નલ જમ્પ કરશે તો ઘરે ઈ-મેમોનુ ફરફરીયુ આવશે. માટે હવે નડિયાદ વાસીઓએ વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન અને તકેદારી રાખવી પડશે. કોલેજ રોડ હોય બાઈક ચાલકો યુવા વર્ગ ખાસ ધ્યાન રાખે અને ટ્રાફિકનુ નિયમન પાલન કરવા તંત્રએ અપીલ કરી છે.

Most Popular

To Top