Madhya Gujarat

નડિયાદના 3 PIની મહેફિલથી આણંદ પણ અભડાશે



અનેક બાબતોમાં પ્રેસ કોન્ફરન્સ કરનારી જિલ્લા પોલીસ મહેફીલકાંડમાં શું રાંધી રહી છે ? તપાસનું બ્હાનું આગળ કરી ભેદી મૌન ધારણ કર્યું

પોલીસ ઇન્સ્પેક્ટરના દારૂની મહેફીલકાંડમાં ભીનું સંકેલવાની પેરવી

રાજ્યભરમાં ચકચાર જગાવનારી 3 પોલીસ ઈન્સપેક્ટર અને તેમના મિત્રોની દારૂની મહેફીલકાંડ અંગે પોલીસ તપાસના નામે શું રાંધી રહી છે, તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવા માટે તૈયાર નથી. અનેક બાબતોમાં જશ ખાટવા જિલ્લા પોલીસ વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે, ત્યારે મહેફીલકાંડમાં માત્ર તપાસ ચાલુ છે, તેમ કહી મૌન સેવી લેનારી જિલ્લા પોલીસની તપાસ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. બીજી તરફ આ મેફિલનો રેલો આણંદ સુધી પહોંચે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.
રાજ્યભરમાં છેલ્લા ત્રણેક દિવસથી ખેડા જિલ્લાના 3 પોલીસ ઇન્સ્પેક્ટરની દારૂની મહેફીલનો 17 સેકન્ડનો વીડિયો લાખો લોકોએ જોયો છે. સામાન્યથી લઈ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નાગરીકોએ આ વીડિયો જોયા બાદ પોલીસ તંત્ર પર ફીટકાર વરસાવી છે. હજુ પણ ખેડા જિલ્લા પોલીસ આ સમગ્ર મામલે ખાનગી રાહે તપાસના નામે શું રાંધી રહી છે, તે અંગે પોલીસ આલમમાં પણ 2 ઉચ્ચ અધિકારીઓ સિવાય કોઈને ગંધ આવી નથી. સામાન્ય કેટલીય ઘટનાઓમાં ખુદ ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસની સારી કામગીરી મીડિયા સમક્ષ ઠાલવતા હોય છે. આટલી મોટી ઘટનામાં હજુ સુધી ખેડા જિલ્લા પોલીસે એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી નથી અને મીડિયાના પ્રશ્નોનો સામનો કર્યો નથી. તેમજ ટેલિફોનીક ચર્ચામાં સતત તપાસ અધિકારી વિમલ બાજપાઈ આ સમગ્ર વીડિયોને લઈ તપાસ કરાશે તેમ જવાબ આપી રહ્યા છે. 3 પોલીસ ઇન્સ્પેક્ટરની આ મહેફીલે પોલીસને દાગદાર કરી છે, પોલીસનું સમગ્ર મામલે ભેદી મૌન હજુ પણ આ મહેફીલ કાંડના આરોપીઓને છાવરવા તરફ પ્રયાસ કરતુ હોવાની શંકા જન્માવી રહ્યુ છે. આ સમગ્ર મામલે રાજ્ય કક્ષાએથી યોગ્ય તપાસ એજન્સીને તપાસ સોંપવામાં આવે તેવી પણ માગ નાગરીકોમાં ઉઠી રહી છે. તો સાથે જ ત્રણેય પોલીસ ઈન્સ્પેક્ટરને જિલ્લા બહારના હેડક્વાર્ટરમાં મુકાય તે અંગે પણ લોકોએ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે.
અલબત્ત, આ સમગ્ર મહેફિલમાં નડિયાદના ત્રણ પીઆઈ ઉપરાંત આણંદ ભાજપના મિડિયા સેલના મનિષકુમાર જૈન તથા અન્ય વ્યક્તિઓ પણ આણંદના હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

17 સેકન્ડના વીડિયોમાં પ્રાથમિક ધોરણે 7 વ્યક્તિ દેખાય છે
ત્રણ દિવસથી રાજ્યભરમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટરનો 17 સેકન્ડના વાયરલ થયેલા વીડિયોએ જ અનેક ઈશારા આપ્યા છે. ત્રણ PI ઉપરાંત આ મહેફીલમાં અન્ય 4 ઈસમો એટલે કુલ 7 લોકો હોવાનું અનુમાન છે. જેમાં 1 આણંદનો ભાજપનો અગ્રણી અને સાયબર એક્સપર્ટ મનીષ જૈન છે. જેનો અન્ય એક ઈસમ સાથે ઝઘડો થયો છે. તો આ ઝઘડા દરમિયાન 3 PI છોડાવવા આવે છે અને આ વખતે બિભત્સ ગાળાગાળી થાય છે. આ વખતે દારૂના ટેબલ પાસેથી અન્ય એક ઈસમ ઉભો થઈને છોડાવવા આવે છે. તો સાથે જ એક ઈસમ એ છે, જેણે વીડિયો બનાવ્યો છે.

બેલેન્ટાઈન બ્રાંડની બોટલ ક્યાંથી આવી ?
ગુજરાતમાં દારૂબંધી છે. ખેડા જિલ્લા પોલીસ રોજેરોજ દેશી દારૂ લઈને જતી મહિલાઓને 2 લિટરના દારૂમાં પણ કેસ નોંધી કાર્યવાહી કર્યાની બૂમરેણ કરે છે. આ 17 સેકન્ડના વીડિયોમાં પોલીસ ઈન્સપેક્ટર્સની દારૂ મહેફીલમાં જે દારૂની બોટલો દેખાય છે, તે ભારતીય બનાવટના વિદેશી દારૂની બેલેન્ટાઈન બ્રાંડનો દારૂ છે. આ દારૂનો કબ્જો રાખવા બદલ સસ્પેન્ડેડ 3 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત મહેફીલમાં શામેલ અન્યો સામે 66 (1) બી મુજબ ફરીયાદ દાખલ કરવાની થાય છે, તે ફરીયાદ નોંધવામાં પણ જિલ્લા પોલીસ પાંગળી સાબિત થઈ છે.

Most Popular

To Top