Comments

તો આ છે ૧૦૦ કરોડની સિધ્ધિની કથા!

ભારતે કોરોનાની રસીના એક અબજ એટલે કે એકસો કરોડ ડોઝ આપી દીધા છે અને આ એક સરસ સિધ્ધિ છે. આ એકસો કરોડ ડોઝ કયાંથી આવ્યા અને તે મેળવવામાં સરકારની શું ભૂમિકા હતી? આ સમજવાની જરૂર છે. તા. ૭ મી ઓગસ્ટ ૨૦૨૦ ના દિને દેશના સૌથી મોટા રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ ૨૦૨૧ ના પ્રથમ છ મહિનામાં ૯૨ ગરીબ દેશોને રસી પહોંચાડવા વૈશ્વિક રસી જોડાણ ગાવી અને બિલ અને મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશન સાથે કરાર કર્યા. સીરમ ઇન્સ્ટીટયુટ ૨૦૨૧ માં કોવીશીલ્ડના ૧૦૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની હતી અને તેનું વિતરણ ચાર અબજની વસ્તી ધરાવતા ૯૨ દેશોમાં થવાનું હતું.

કોવેકસ એટલે કે કોવિડ વેકસીન ગ્લોબલ એકેસસનો પાયાનો સિધ્ધાંત એ છે કે બધાને સમાન સ્તરે રસી મળે. એનો અર્થ એ નથી કે બધા દેશોને કોવિડ-૧૯ ની રસી વાજબી રીતે સુલભ થાય. એનો અર્થ એ પણ થાય કે વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ રસીઓ વહેંચવાની વ્યવસ્થા થાય. ગાવી જોડાણ સીરમ ઇન્સ્ટીટયૂટ દ્વારા ઉત્પાદિત થયેલી રસીઓ પૈસાદાર રાષ્ટ્રોને પણ વેચી શકે તેના પૈસામાંથી ભારતમાં રસીનું ઉત્પાદન વધે. તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ મોદીએ સંયુકત રાષ્ટ્રોની મહાસભામાં કહ્યું કે ભારત વિશ્વને રસીઓ આપશે. ભારત વિશ્વમાં સૌથી મોટો રસી ઉત્પાદક દેશ હોવાથી અને બધાને પહોંચાડવાની ક્ષમતાને કારણે તમામ માનવજાત આ મહામારીમાંથી બહાર નીકળી જશે. ભારત અન્ય રાષ્ટ્રોને આ રસી શીતાગારમાં સાચવવામાં મદદ કરશે.

આ પ્રવચન પછી પત્રકારોએ મોદીને ‘વેકસીન ગુરુ’ કહ્યા. ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં  સીરમ ઇન્સ્ટીટયૂટને ગાવી દ્વારા આ ડોઝ પૂરા પાડવાનું માળખું બનાવવા માટે ૩૦ કરોડ ડોલર (રૂા. ૨૫૦૦ કરોડથી વધુ વધુ)ની રકમ અપાઇ. તે જ સપ્તાહમાં સીરમના માલિક અદર પૂનાવાલાએ મોદીને ટવીટ કર્યું: ‘ઝડપી પ્રશ્ન સરકાર આવતા એક વર્ષ માટે રૂા. ૮૦૦૦૦ કરોડ આપી શકશે? કારણ કે ભારતમાં દરેકને માટે રસી ખરીદવા અને આપવા આરોગ્ય મંત્રાલયને તે જોઇશે. આ બીજો મોટો પડકાર છે. પૂનાવાલાએ પછી ઉમેર્યું: ‘ભારતને તેની વસ્તીને રસી આપવી હોય તો અન્યત્રથી રસી મેળવવી પડશે’. સરકારે કંઇ કર્યું નહીં.

૨૦૨૧ ના ફેબ્રુઆરી સુધીમાં ભારતે માત્ર ૧૧ કરોડ ડોઝનો જ ઓર્ડર આપ્યો હતો જયારે તેને રસીને પાત્ર વસ્તી માટે ૨૦૦ કરોડ ડોઝ અથવા ૧૪ વર્ષથી નીચેના તમામ સભ્યો સહિત તમામ ભારતીયો માટે ૨૭૦ કરોડ ડોઝ જોઇએ. પણ શરત એટલી જ કે કોઇ ડોઝ વેડફાવા નહીં જોઇએ. ભારતે ૧૧ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો જયારે કેનેડાએ ૩૩ કરોડ, અમેરિકાએ ૧૨૦ કરોડ, બ્રિટને ૪૫ કરોડ, બ્રાઝિલે ૨૩ કરોડ, આફ્રિકન સંઘે ૬૭ કરોડ, ઇન્ડોનેશિયાએ ૧૯ કરોડ અને યુરોપીય સંઘે ૧૮૦ કરોડ અને ભારતની રાજધાની દિલ્હીના પ્રદેશ કરતાં ઓછી વસ્તી ધરાવનાર ઓસ્ટ્રેલિયાએ ૧૨ કરોડ ડોઝના ઓર્ડર આપ્યા હતા. માર્ચ ૨૦૨૧ ના અંતે જયારે કોરોનાની બીજી લહેર શરૂ થઇ ત્યારે ભારતે સીરમ ઇન્સ્ટીટયૂટને ગાવીને તેણે પૈસા ચૂકવ્યા હોવા છતાં રસીની નિકાસ કરવા પર બિનઅધિકૃત રીતે પ્રતિબંધ ફરમાવ્યો અને રસીઓ જપ્ત કરી લીધી. ભારતના ‘સૌથી શકિતશાળી’ લોકોની ધમકીને પગલે અદારને લંડન ભાગી જવું પડયું.

મે મહિનામાં ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અખબારે તારણ કાઢયું કે  દુનિયાના સૌથી મોટા ભાગના ગરીબ રાષ્ટ્રી એક જ દેશમાં એક જ ઉત્પાદક દ્વારા એક જ રસી પર નિર્ભર થઇ ગયા. ક્રૂર વળાંકમાં એ સપ્લાયર સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા પોતે જ કોરોનાની મહામારીમાં ઘેરાઇ ગઇ. ગાવીને પૈસા ભરવા છતાં રસી નહીં મળી. ગાવીના વડાએ દુનિયાના ૯૨ વિકાસશીલ દેશોને લખ્યું: ભારતમાં કોરોનાની કટોકટી વધી ગઇ હોવાથી કોવેકસ રસી મેળવવાની અપેક્ષા નથી રાખતું. ભારત પર આધાર રાખવાની વ્યૂહરચનામાં ખામી હતી કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અમારી ઘણી ટીકા થાય છે. પણ અમને જે કંઇ સાચું લાગ્યું તે અમે કર્યું! કોવિડ-૧૯ સામે લડવાનો એ જ એક સૌથી ઝડપી માર્ગ હતો.

પણ એવું નહીં બન્યું અને ભારતમાં એપ્રિલ ૨૦૨૧ માં જે પરિસ્થિતિ થઇ તેને કારણે કોરોના સામેની વિશ્વની લડાઇમાં મોટી ભાંગફોડ થઇ. સીરમ ઇન્સ્ટીટયૂટ આ સમય સુધીમાં ૧૪ કરોડ ડોઝ મોકલવાની હતી, પણ તેણે બે કરોડથી સ્હેજ ઓછા ડોઝ રવાના કર્યા પછી સરકારે તેને અટકાવી દીધી. ‘વેકસીન ગુરુ’ બનવાની વાત તો બાજુ પર રહી, પણ ભારતે અન્યોએ જેનું આયોજન કર્યું, પૈસા આપ્યા અને વ્યવસ્થા કરી તે ખોરવી નાંખી. આ મહિને સરકારે કહ્યું કે તેઓ સીરમ ઇન્સ્ટીટયૂટને ફરી નિકાસ કરવાની છૂટ આપશે. તો આ છે ૧૦૦ કરોડની સિધ્ધિની કથા અને તેના માટે કોણ જવાબદાર છે અને કોણ જવાબદાર નથી તે પણ જાણી લેવું જોઇએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top