Charotar

ચકલાસીમાં 50 હજાર રોકડની ચિલઝડપ થઇ

ખેડૂત બેંકમાંથી નાણા ઉપાડી સાયકલ પર જતા હતાં

બે બાઇક પર આવેલા ત્રણ શખ્સે રોકડ ભરેલી થેલી આંચકી

ચકલાસીના ખેડૂતે બેંકમાંથી અડધા લાખ ઉપાડ્યા અને સાયકલ પર થેલી મુકી જઇ રહ્યાં હતાં. આ દરમિયાન બે મોટરસાયકલ પર આવેલ ત્રણ શખ્સે ખેડૂતની સાયકલ પરથી રૂપિયા ભરેલી થેલી આંચકી ફરાર થયા છે.
નડિયાદ તાલુકાના ચકલાસી ગામે માળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ માધુભાઈ વાઘેલા (ઉ.વ.58) ખેતી તેમજ પશુપાલન કરે છે. તેઓ 22મી માર્ચના રોજ બપોરના બજારમાં રોપણી ખરાબ થઈ ગયેલી હોય તેને રિપેર કરવા માટે ગયેલ હતા. જે બાદ રમેશભાઈને ઘરમાં નાણાંની જરૂર હોય બેંકમાંથી રૂપિયા 50 હજાર વિડ્રો કર્યા હતા અને પોતાની સાથે રહેલ એક કાપડની થેલીમાં મૂક્યા હતા.
બાદમાં રમેશભાઈ બેંકમાંથી નીકળી સાયકલ પર પરત ઘરે આવતા હતા. શાકમાર્કેટથી વાઘેલા કોલોની તરફના રસ્તા પર તેઓ જતા હતા ત્યારે મોટરસાયકલના ચાલકે કાકા તમારા પૈસા પડ્યા છે. જે લઈ લો તેમ જણાવી નીકળી ગયો હતો. પરંતુ રમેશભાઈને પાકો શક જતા તેઓ ઉભા રહ્યા નહોતા. બાદમાં એક મોટર સાયકલ પર આવેલ બે લોકોએ રમેશભાઈની સાયકલ આગળ લટકાવેલી રૂપિયા ભરેલી કપડાની થેલી આંચકી લઈ આંખના પલકારામાં ફરાર થયા હતા.
આ ઉપરોક્ત ત્રણેય લોકોને રમેશભાઈએ બેંકમાં પોતાની સાથે જોયા હતા અને તેઓ 30થી 35 વર્ષના આશરાના હતા. આ બનાવ મામલે રમેશભાઈ વાઘેલાએ ચકલાસી પોલીસ મથકે દોડી જઈ અજાણ્યા ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Most Popular

To Top