કરજણમાં કેનાલ પાસે ગુમ થયેલા વૃદ્ધની લાશ 5 દિવસ બાદ ઝાંડી-ઝાંખરામાંથી મળી હતી
પોલીસ દ્વારા ડીકમ્પોઝ થયેલા મૃતદેહનું પીએમ કરાવતા ચોકાવનારી વિગતો બહાર આવી
વડોદરા તા.24
કરજણ તાલુકાના કુરાલી ગામ નજીકથી એક વૃદ્ધની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુમ થયેલા વૃદ્ધની લાશ કેનાલ પાસે કોથળામાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે કરજણ પોલીસે મૃતદેહનું પીએમ કરાવતા વૃદ્ધની હત્યા કરાઈ હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસ દ્વારા હવે હત્યાનો ગુનો નોંધી હત્યારાની તપાસ હાથ ધરવામાં આવી છે.
કુરાલી ગામના રહેવાસી કનકસિંહ માનસિંહ ચૌહાણ (ઉંમર 65) તા. એપ્રિલના રોજ બપોરે આશરે 12.30 વાગ્યાથી ગુમ થયા હતા. વકીલ પુત્ર અનિરુદ્ધસિંહ ચૌહાણે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. દરમિયાન તા. 23 એપ્રિલના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યે તેમની લાશ મળી આવી હતી.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અજાણ્યા શખ્સ દ્વારા કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ પુરાવા નાશ કરવા માટે લાશને પ્લાસ્ટિકના કોથળામાં મુકી દૂર ફેંકી દીધી હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અનિરૂધ્ધસિંહ કનકસિંહ ચૌહાણ (ઉંમર 34), જે વ્યવસાયે વકીલ છે, તેમની ફરિયાદના આધારે કરજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) અને 238 મુજબ ગુનો નોંધાયો છે. હાલ આરોપી અજાણ્યો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પીઆઈ બી.એમ. પટેલે જણાવ્યુ હતુ કે કરજણ કેનાલ પાસેથી મળી આવેલી લાસની તપાસ ચાલી રહી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ દ્વારા સ્થળની મુલાકાત લઇ તપાસને સુચના આપવામાં આવી છે. પોલીસે હત્યાના કારણો તેમજ આરોપીની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે. બીજી તરફ હત્યાનું કરણ જાણવા માટે પોલીસે લાશનુ પીએમ કરાવ્યું છે જોકે લાસ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી હત્યાનું હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં વિસેરા લઇ ચકાસણી અર્થે મોકલાશે.
– પુરાવાનો નાશ કરવા હત્યારાનો પ્રયાસ
અજાણ્યા શખ્સ દ્વારા કનકસિંહ ચૌહાણની કોઈ અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી હતી. આરોપીએ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને પ્લાસ્ટિકના કન્તાનના કોથળામાં મુકી સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. મૃતદેહને કુરાલીથી કોઠાવ જતી કેનાલ રોડની નીચેના અવાવરૂ વિસ્તારમાં ઝાંડી-ઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યો હતો.