પૈસાની લેતી-દેતી મામલે અપહરણ કરનાર ને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડયા, યુવકને છોડાવી પરિવારને સોંપ્યો
વડોદરા તા.24
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડને કારણે થયેલા બે યુવાનોના અપહરણના બનાવમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે એક યુવકને સુરક્ષિત છોડાવી વડોદરા લાવી પરિવારને સોંપ્યો છે.
મકરપુરા ડેપો પાછળ આવેલી સરસ્વતી ટાઉનશીપમાં રહેતા નિલેશભાઈ ચૌહાણનો પુત્ર આદિત્ય (ઉ.વ. 20) તથા તેનો મિત્ર વિશાલ રોહિત (ઉ.વ. 25) ગત તા. 21 એપ્રિલના રોજ સાંજના સમયે ઘરમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવી અગાઉ આપેલા પૈસા પરત માંગવા મુદ્દે ઝઘડો કર્યો હતો.
બોલાચાલી વધતા ચારેય શખ્સોએ બંને યુવકોને જબરદસ્તી ખેંચી પોતાની અર્ટિગા કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરાઈ હતી.
અપહરણકારોએ વિશાલ રોહિતને હાલોલ રોડ પર ઉતારી દીધો હતો. જ્યારે આદિત્યને તેઓ સાબરકાંઠાના પ્રાંતિજ તરફ લઈ ગયા હતા.
મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. ગોહિલની હેઠળ પોલીસે ટેકનિકલ સોર્સ તથા ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે અર્ટિગા કારનો પીછો શરૂ કર્યો હતો. સીસીટીવી કડીઓ જોડતા પોલીસ પ્રાંતિજ સુધી પહોંચી ગઈ અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આદિત્યને સુરક્ષિત છોડાવી પરિવારને સોંપ્યો હતો.
આ બનાવમાં પોલીસે અપહરણ કરનાર સુરેશ કાળા વણકર (ઉ.વ. 55, પ્રાંતિજ) અને કુલદીપ હરજી ચૌધરી (ઉ.વ. 25, હાલ રહે. રાણીપ, અમદાવાદ) ને ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 5.55 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.