કતારના રાસ લાફાન ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં સુરતના 29 વર્ષીય સની પટેલનું મોત નિપજ્યું છે. કતારમાં જ રહેતા તેના ભાઈ રવિએ તેના મૃતદેહની ઓળખ કરી છે. આવતીકાલે સનીનો મૃતદેહ અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત તેના નિવાસ સ્થાને લાવવામાં આવશે.
કતારમાં ગેસ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા મોટા મોહલ્લોમાં રહેતા સની પટેલ છેલ્લા 48 કલાકથી પરિવારના સંપર્કમાં નહોતા. હવે તેમના મૃતદેહની ઓળખ થતા તેમના મોતની પુષ્ટિ થઈ છે. સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી છે. આવતીકાલે તેનો મૃતદેહ ભારત લાવવામાં આવશે. ભારતીય એમ્બેસી ભાંગી પડેલા પરિવારની પડખે આવી છે અને સનીનો મૃતદેહ ભારત લાવવા પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે.
કતારમાં બનેલી ભયાનક દુર્ઘટના બાદ સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી ગયો છે. વિદેશમાં મહેનત કરીને પરિવારના સપનાઓ પૂરા કરવા ગયેલા સુરતના યુવકનું અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. રવિવારે થયેલ બ્લાસ્ટ બાદ સનીનો સંપર્ક ન થતા પરિજનો ચિંતિત બન્યા હતા. સની પટેલ જ્યારે પણ નોકરીએ જતા અને પરત આવતા ત્યારે પત્નીને ફોન કરતા હતા. આ દુર્ઘટના બની ત્યારે સની પટેલની નાઇટ શિફ્ટ હતી અને તેઓ પત્નીને ફોન કરીને જ પ્લાન્ટ પર જવા રવાના થયા હતા. તે બાદથી જ તેઓ ગુમ થયા હતા. જોકે હવે આ બ્લાસ્ટમાં સની પટેલનું મોત થયું હોવાનું સામે આવતા પરિવારમાં શોકની લાગણી છે. આવતીકાલે(25 જૂન) કતારથી અમદાવાદ અને ત્યારબાદ અમદાવાદથી સુરત લાવવામાં આવશે.